(પ્રતિનિધિ) વડોદરા, તા. 31
વડોદરામાં આજે સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. સવારે 6થી 8 વાગ્યા દરમિયાન શહેરમાં કડાકા ભડાકા સાથે અંદાજે 50 મિમી (2 ઇંચ) વરસાદ નોંધાયો હતો. જોકે, બાદમાં વરસાદ થંભી જતા મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સંભાવના ટળી હતી. હવામાન વિભાગે આજે શહેર અને જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરતાં દિવસભર ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને વરસાદ દરમિયાન નદી-નાળાં તથા પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 1 ઓગસ્ટે પણ ભારે વરસાદની શક્યતા યથાવત રહેશે, જ્યારે 3 ઓગસ્ટથી હવામાનમાં ધીમે ધીમે સુધારો થવાની સંભાવના છે.