ગુજરાતમાં આ વર્ષે પડેલો વરસાદ અસામાન્ય હતો, એમાં કોઈ શંકા નથી. સમગ્ર ચોમાસાના 25 ટકા વરસાદ માત્ર પાંચ દિવસમાં પડ્યો. અમદાવાદમાં માત્ર એક જ દિવસમાં 294.6 મિ.મી. વરસાદ પડ્યો, જે શહેરના સરેરાશ વાર્ષિક વરસાદના લગભગ 35 ટકા જેટલો છે! વલસાડમાં માત્ર 16 કલાકમાં 1,100 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો. એટલે કે જિલ્લાના સમગ્ર વર્ષના સરેરાશ વરસાદનો લગભગ અડધો વરસાદ એક જ દિવસમાં વરસી ગયો. નવસારીમાં લગભગ 35 ટકા અને સુરતમાં 30 ટકા વરસાદ ટૂંકા ગાળામાં વરસ્યો. બીજી તરફ સુરેન્દ્રનગર, અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને દાહોદ જેવા જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ખાધ છે.
અલ નીનોની અસર, આબોહવા પરિવર્તન અને બદલાતા મોનસૂન ચક્રને કારણે ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. વૈજ્ઞાનિકો વર્ષોથી ચેતવણી આપી રહ્યા છે કે વરસાદ હવે પહેલાંની જેમ સમાન રીતે નહીં વરસે; થોડા કલાકોમાં મહિના જેટલો વરસાદ પડવાની ઘટનાઓ વધશે. વારંવાર મળતી ચેતવણી પછી પણ ઝડપથી બદલાતી આબોહવાનો સામનો કરવાની આપણી તૈયારી નથી. અમદાવાદ, સુરત, વલસાડ કે નવસારીમાં થયેલા જાન-માલના નુકસાન માટે શું માત્ર અને માત્ર વરસાદને જ જવાબદાર ગણીશું? દર વર્ષે વરસાદ બંધ થયા પછી ફરી એ જ શહેરો ડૂબતાં કેમ રહે છે? કેમ સૌથી ગરીબ વસાહતોથી લઈને અમદાવાદના બોપલ અને શેલા જેવા કરોડોની મિલકત ધરાવતા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે?
અમદાવાદનું ઉદાહરણ સૌથી સ્પષ્ટ છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ પ્રકાશિત કરેલા વિશ્લેષણમાં શહેરી આયોજનકારો અને જીઓઇન્ફોર્મેટિક્સના નિષ્ણાતોએ સ્પષ્ટ કહ્યું કે 23મી જુલાઈએ પડેલા વરસાદ પછીની જળબંબાકારની પરિસ્થિતિ માત્ર વરસાદનું પરિણામ નહોતું, પરંતુ દાયકાઓથી ચાલતી ખોટી શહેરી નીતિઓનું પરિણામ હતું. પાછલા 25 વર્ષમાં થયેલા બાંધકામને કારણે શહેરના કેન્દ્રથી 20 કિ.મી.ના વિસ્તારમાં 33 ટકા અને બહારના 20થી 50 કિ.મી.ના વિસ્તારમાં તો 91 ટકા જેટલો વિકાસ થયો છે! આ વિકાસનો મોટો ભાગ ભૂગર્ભ જળ રિચાર્જ ઝોન પર થયો છે.
તળાવો પુરાઈ ગયા, કુદરતી જળમાર્ગો નાશ પામ્યા અને વરસાદી પાણી માટેની જમીન કાંક્રીટમાં ફેરવાઈ ગઈ. આટલું જ નહીં, વરસાદ પહેલાં કોર્પોરેશને જે સ્થળોને ‘ફ્લડ-ફ્રી’ જાહેર કર્યા હતા, તેમાંથી લગભગ 90 ટકા સ્થળો ફરી પાણીમાં ગરકાવ થઈ ગયા. એટલે પ્રશ્ન વરસાદનો ઓછો અને આયોજનનો વધુ છે. સુરતની ગાથા પણ અલગ નથી. શહેરની સીમા 2004માં 112 ચોરસ કિલોમીટર હતી, જે આજે વધીને 461 ચોરસ કિલોમીટર થઈ ગઈ છે. ખાડીઓ અને કુદરતી વરસાદી નાળાઓની બંને બાજુ અનિયંત્રિત બાંધકામ થતાં તેમનો કુદરતી પ્રવાહ અટકી ગયો છે. મ્યુનિસિપલ તંત્ર પણ સ્વીકારે છે કે ખાડીઓ પર થયેલા વિકાસે પાણીનો માર્ગ બંધ કર્યો છે અને તેથી દર વર્ષે પૂર જેવી સ્થિતિ સર્જાય છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીનો અભ્યાસ તો વધુ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગની વિશ્વામિત્રી સમિતિના અહેવાલમાં સ્પષ્ટ નોંધાયું છે કે નદીના પૂરપ્રદેશમાં બાંધકામનો કાટમાળ, ઘન કચરો, ગેરકાયદે દબાણો, વેટલેન્ડ્સનો નાશ અને નદીના કુદરતી પ્રવાહમાં કરાયેલા હસ્તક્ષેપને કારણે નદીની વરસાદી પાણી વહન કરવાની ક્ષમતા સતત ઘટી રહી છે. આપણે શહેરને એક જીવંત એકમ તરીકે નહીં, પરંતુ પ્લોટોના સમૂહ તરીકે વિકસાવ્યું છે. એક ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થાય છે, પરંતુ આખા શહેરના જળપ્રવાહ પર તેની શું અસર પડશે તેનો વિચાર થતો નથી.
એક વિસ્તારમાં રસ્તો ઊંચો કરવામાં આવે કે નવું બાંધકામ કરવામાં આવે તો ત્યાંનું પાણી ક્યાં જશે, તેની ગણતરી શહેરી આયોજનમાં દેખાતી નથી. આખરે શહેરના આયોજનનો માસ્ટર પ્લાન ક્યાં છે? ડ્રેનેજ માસ્ટર પ્લાન ક્યાં છે? વરસાદી પાણીના કુદરતી માર્ગોનું નકશાંકન ક્યાં છે? વરસાદના પાણીના સંચયને શહેરના આયોજનનો ફરજિયાત ભાગ કેમ બનાવવામાં આવ્યો નથી? જ્યાં સુધી શહેરનું આયોજન સમગ્ર જળપ્રવાહને ધ્યાનમાં રાખીને નહીં થાય, કુદરતી જળમાર્ગો અને પૂરપ્રદેશને બચાવવામાં નહીં આવે અને વિકાસ કરતાં પહેલાં પાણી માટે જગ્યા છોડવાની સંસ્કૃતિ વિકસશે નહીં, ત્યાં સુધી ગુજરાતનાં શહેરો દર ચોમાસે ડૂબતાં રહેશે — અને પછી દોષ વરસાદને આપતા રહીશું.
દુઃખની વાત એ છે કે વરસાદ ઊતરી જશે, પાણી ઓસરશે અને થોડા અઠવાડિયામાં ફરી રિયલ એસ્ટેટના નકશા મંજૂર થવા લાગશે. ફરી કોઈ તળાવ ભરાશે, ફરી કોઈ નાળો સાંકડો થશે, ફરી કોઈ પૂરપ્રદેશ પર બાંધકામ થશે. આ માત્ર આયોજનનો અભાવ નથી, પરંતુ શહેરી વિકાસના રાજકીય અર્થતંત્રનું પ્રતિબિંબ પણ છે. જમીન ખાનગી રોકાણનું સાધન બની ગઈ છે, જેમાંથી કરોડોનો નફો કમાઈ શકાય છે. એટલે જ્યાં જમીન ખાલી દેખાઈ ત્યાં કોઈ વિકાસની યોજના આવી ગઈ! બિલ્ડરો એમાંથી નફો કમાય, જ્યારે એની કિંમત સામાન્ય નાગરિકો પાણીમાં ગરકાવ થયેલા ઘરો અને નષ્ટ થયેલી રોજીરોટીના રૂપમાં ચૂકવે છે. શહેરી વિકાસમાં જ્યાં સુધી પર્યાવરણીય સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં નહીં આવે, ત્યાં સુધી દર ચોમાસે આવી માનવસર્જિત આપત્તિઓ ફરી ફરી સર્જાતી રહેશે. પછી આવતા ચોમાસે આપણે ફરી એ જ ફરિયાદ કરીશું કે શહેર ડૂબી ગયું!.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.