નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં શુક્રવારે સવારે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. મજૂરી કામ માટે ટેમ્પોમાં જઈ રહેલા શ્રમજીવીઓ પર અચાનક મોત ત્રાટક્યું, જ્યારે ટેમ્પો 11 કે.વી.ના જીવંત વીજ તારના સંપર્કમાં આવી ગયો. આ દુર્ઘટનામાં ત્રણ આદિવાસી યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ છે. અન્ય ત્રણ લોકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. માહિતી અનુસાર, ગણદેવા ગામના નહેર ફળિયામાં રહેતા નવ શ્રમજીવીઓ શુક્રવારે સવારે છોટા હાથી ટેમ્પો (GJ-21-W-6707)માં લાકડા કાપવાના કામે જવા નીકળ્યા હતા. ટેમ્પો ગામના હટવાડા ફળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વરસાદ અને પવનના કારણે વીજ પોલ પર લાગેલી ઇન્સ્યુલેશન પિન તૂટી જતાં 11 કે.વી.નો હાઈટેન્શન વીજ તાર નીચે લટકી ગયો હતો. ટેમ્પોમાં કેટલાક શ્રમિકો ઉભા હોવાથી પાછળનો ભાગ આ જીવંત તારને અડી ગયો અને પળવારમાં આખા વાહનમાં કરંટ ફેલાઈ ગયો.
અચાનક ફેલાયેલા ભારે કરંટના કારણે ટેમ્પોમાં સવાર તમામ શ્રમિકોમાં અફરાતફરી મચી ગઈ. આ અકસ્માતમાં 27 વર્ષીય કલ્પેશ અરુણભાઈ હળપતિ, 32 વર્ષીય નીતિનભાઈ વિનોદભાઈ હળપતિ અને 21 વર્ષીય જીગરભાઈ નીતિનભાઈ હળપતિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણેય યુવાનો ગણદેવા ગામના નહેર ફળિયાના રહેવાસી હતા. દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખારેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝેલા બાબુભાઈ મણીભાઈ હળપતિને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જ્યારે રમેશભાઈ ગુલાબભાઈ હળપતિ અને મોહનભાઈ લલ્લુભાઈ હળપતિની સારવાર ખારેલ હોસ્પિટલમાં ચાલી રહી છે. અન્ય ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ચીખલી-ટાંકલ વિસ્તારની 11 કે.વી. હાઈટેન્શન લાઈન બંધ કરીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગણદેવી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ બનાવ અંગે સોહન ઉર્ફે છોટુ દિનેશભાઈ હળપતિની ફરિયાદના આધારે ગણદેવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તેની તપાસ કરી રહી છે.
આ કરૂણ ઘટનાથી સમગ્ર ગણદેવી પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે બનેલી આ દુર્ઘટનાએ લોકોને હચમચાવી દીધા હતા. ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક, ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલ તથા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સૌએ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.