Business

​સરકારી કચેરી પણ સુરક્ષિત નથી..! પોલીસ ભવન નજીક હોવા છતાં નર્મદા ભવનમાં તસ્કરો ત્રાટક્યા

અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીના દરવાજાની પ્લાય તોડી પંખા અને LED લાઇટ ચોરી ગયા
​નવી જગ્યાએ કચેરી શિફ્ટ થતાં રીનોવેશન ચાલતું હોય ઓફિસને તસ્કરો એ બેખૌફ નિશાન બનાવી

વડોદરા તા.30

પોલીસ પેટ્રોલિંગના મોટા મોટા દાવાઓ વચ્ચે પોલીસ ભવનથી નજીક આવેલા વડોદરાના નર્મદા ભવનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડી દીધા છે. કચેરી શિફ્ટ થતાં જ સક્રિય થયેલા ચોરોએ નર્મદા ભવનમાં આવેલી અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીને દરવાજાનું પ્લાય તોડીને ક્રોમ્પટન અને એન્કર જેવી બ્રાન્ડેડ કંપનીના પંખા-લાઇટોની સરેઆમ ચોરી કરી કાયદાને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

જ્યાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતી કચેરીઓ આવેલી છે તેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં ચોરોએ ચોરી ને અંજામ આપી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. વડોદરાના જેલ રોડ પર આવેલા નર્મદા ભવનમાંથી તસ્કરો બિન્દાસ્તપણે સરકારી સામાન પર હાથફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.
​નર્મદા ભવન ખાતે આવેલી અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીને જુલાઈ-2025થી દિવાલીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે ખસેડવામાં આવી હતી. જૂની કચેરીમાં હાલ રિનોવેશન કામ ચાલતું હોવાથી તેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો.
​28 જુલાઈ 2026ના રોજ રાત્રે રૂટીન ચેકિંગ દરમિયાન સરકારી મિલકત ગાયબ હોવાનું સામે આવ્યું હતું. બીજા દિવસે સવારે તપાસ કરતા રૂમ નંબર 620ના મુખ્ય દરવાજાના નીચેના ભાગનું પ્લાય તોડેલી હાલતમાં મળી આવ્યું હતું. આખરે તપાસમાં બહાર આવ્યું કે ચોરો ક્રોમ્પટન કંપનીના 10 સિલિંગ ફેન અને એન્કર કંપનીની 12 એલઈડી લાઇટ મળી રૂ. 16 હજારનો સરકારી સામાન ચોરી ગયા છે.
​છેલ્લે 18 જુલાઈના રોજ તપાસ થઈ ત્યારે બધું સલામત હતું, એટલે કે આ સમયગાળા દરમિયાન ચોરોએ ચોરીને અંજામ આપ્યો છે. આ અંગે મદદનીશ નોંધણી સર નિરીક્ષક સૂર્યકાંત હઠીલાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top