National

E20 પેટ્રોલથી જૂના વાહનોને નુકસાન? સરકારે સંસદમાં આપ્યો સ્પષ્ટ જવાબ, BS3 વાહનો માટે ફેરફાર જરૂરી

દેશમાં E20 પેટ્રોલના ઉપયોગને લઈને વાહનચાલકોના મનમાં અનેક સવાલો અને અફવાઓ ફરી રહી છે. ખાસ કરીને જૂની કાર કે બાઇક ધરાવતા લોકો પોતાના વાહનના એન્જિન અને માઇલેજને લઈને ચિંતિત છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલા વિવિધ દાવાઓ વચ્ચે હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ રાજ્યસભામાં એક લેખિત જવાબ આપીને પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું છે કે E20 પેટ્રોલના કારણે જૂના વાહનોને કોઈ મોટું નુકસાન થશે નહીં.

દેશની જાણીતી સંસ્થાઓએ કર્યો ખાસ અભ્યાસ

E20 ઈંધણની વાહનો પર કેવી અસર પડે છે તે સમજવા માટે દેશની અગ્રણી સંસ્થાઓ દ્વારા એક ખાસ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ રિસર્ચમાં નીચે મુજબની સંસ્થાઓ સામેલ હતી:

  • ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ, દહેરાદૂન
  • સોસાયટી ઓફ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)
  • ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI)

આ સંસ્થાઓએ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર એન્જિન પર E20 ફ્યુઅલની અસરની ઊંડાણપૂર્વક તપાસ કરી છે.

એન્જિનમાં મોટા ફેરફારની જરૂર નથી

સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે ટેસ્ટિંગ દરમિયાન જાણવા મળ્યું છે કે E20 ઇંધણ વાપરવા માટે વાહનના એન્જિનમાં કોઈ મોટા ફેરફાર કરવાની જરૂર નથી. જૂના વાહનોના પર્ફોર્મન્સ પર પણ કોઈ ખાસ નકારાત્મક અસર જોવા મળી નથી. ઉપરાંત, આ પેટ્રોલના કારણે વાહનના સ્પેરપાર્ટ્સમાં કોઈ અસામાન્ય ઘસારો કે તૂટફૂટ થઈ નથી.

BS3 વાહનોમાં શું બદલવું પડશે?

કેન્દ્રીય મંત્રી ગડકરીએ સ્પષ્ટ કર્યું કે BS3 વાહનોના ટેસ્ટિંગ સમયે માત્ર કેટલાક રબર પાર્ટ્સ અને ગ્રીસિંગ કે ગેસ્કેટ બદલવાની જરૂરિયાત જણાઈ હતી. આ નાનો ફેરફાર વાહનની સામાન્ય સર્વિસિંગ વખતે સરળતાથી કરી શકાય છે. ડ્રાઇવિંગ, ગાડી સ્ટાર્ટ થવી, મેટલ અને પ્લાસ્ટિક કોમ્પેક્ટિબિલિટી જેવા મહત્વના પેરામીટર્સમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.

માઇલેજ ઘટે છે કે નહીં?

E20 ના કારણે માઇલેજ ઘટે છે તેવા દાવા પર મંત્રીએ કહ્યું કે ગાડીની એવરેજ માત્ર ઈંધણ પર નિર્ભર નથી હોતી. ગાડી ચલાવવાની ટેવ, સર્વિસિંગ અને ટ્રાફિક જેવા અનેક પરિબળો માઇલેજ નક્કી કરે છે. તેથી માત્ર E20 પેટ્રોલને માઇલેજ ઘટવાનું કારણ માની શકાય નહીં.

શું છે આ E20 પેટ્રોલ?

E20 પેટ્રોલ એટલે એવું ઈંધણ જેમાં 80 ટકા સામાન્ય પેટ્રોલ અને 20 ટકા ઈથેનોલ ઉમેરવામાં આવે છે. સરકારનું ધ્યેય ઈથેનોલનો વપરાશ વધારીને ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવાનું અને પ્રદૂષણ પર અંકુશ મેળવવાનું છે. ઈથેનોલ મુખ્યત્વે શેરડી અને અનાજમાંથી બનાવવામાં આવે છે, જે પર્યાવરણ માટે અનુકૂળ છે.

Most Popular

To Top