World

ઇરાકમાં અમેરિકા-સાઉદીની એરસ્ટ્રાઈકથી 20નાં મોત, પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ ભડક્યું, હોર્મુઝમાં પણ તણાવ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધી મર્યાદિત રહેલો આ ટકરાવ હવે પશ્ચિમ એશિયાના અનેક દેશોને અસર કરી રહ્યો છે. હુથી બળવાખોરો બાદ હવે સાઉદી અરેબિયા પણ આ સંઘર્ષમાં સક્રિય બન્યું છે. અમેરિકા અને સાઉદી અરેબિયાએ મળીને ઇરાકમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથોના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં ઈરાનના છ સલાહકારો સહિત કુલ 20 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 32થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તણાવ વધુ વધારી દીધો છે.

અમેરિકા અને સાઉદી અરેબિયાના લડાકુ વિમાનોએ પૂર્વી ઇરાકના અનેક વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી કરી હતી. હુમલાનો મુખ્ય હેતુ ઈરાન સમર્થિત જૂથોના લોજિસ્ટિક્સ સેન્ટર, હથિયારોના ભંડાર અને અન્ય મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે જો ઈરાન સમર્થિત સંગઠનો અને રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા હુમલા બંધ નહીં થાય તો અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે. સાઉદી અરેબિયાએ પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે પ્રદેશમાં તણાવ વધારવા માંગતું નથી, પરંતુ જો તેના પર હુમલો કરવામાં આવશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. આ વધતા તણાવને કારણે ગુરુવારે જેદ્દાહમાં યોજાનારી ઇરાકના વડાપ્રધાન અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક પણ રદ કરવામાં આવી છે. જે જૂથો પર હુમલો કરવામાં આવ્યો છે તે ઇરાકના પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસ (PMF)નો ભાગ હોવાનું માનવામાં આવે છે. આ સંગઠનમાં મુખ્યત્વે શિયા અને ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો સામેલ છે. વર્ષ 2014માં ઇસ્લામિક સ્ટેટ સામેની લડાઈ દરમિયાન આ સંગઠને મહત્વની ભૂમિકા ભજવી હતી. બાદમાં 2016માં ઇરાક સરકારે તેને સત્તાવાર રીતે સશસ્ત્ર દળોની એક સ્વતંત્ર શાખા તરીકે માન્યતા આપી હતી. જોકે અનેક વખત આ જૂથો પોતાની રીતે કામગીરી કરતા હોવાના આરોપો પણ લાગ્યા છે. અમેરિકાના સૈન્ય મથકો પર અગાઉ થયેલા કેટલાક હુમલાઓમાં પણ આ સંગઠન સાથે જોડાયેલા જૂથોના નામ સામે આવ્યા હતા.

એરસ્ટ્રાઈક બાદ ઈરાને પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવાયું છે. અહેવાલો અનુસાર, ઈરાને પશ્ચિમ એશિયામાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. જોર્ડને દાવો કર્યો છે કે તેના હવાઈ ક્ષેત્ર તરફ આવી રહેલી ઈરાનની પાંચ મિસાઈલને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવી હતી. બીજી તરફ ઈરાનની સરકારી એજન્સીનો દાવો છે કે રિવોલ્યુશનરી ગાર્ડની એરોસ્પેસ ફોર્સે જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝ અને સેન્ટ્રલ કમાન્ડના મથક પર હુમલો કર્યો હતો. જોકે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેઓ દરેક પ્રકારના હુમલાનો સામનો કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ પણ પોતાની કાર્યવાહી તેજ કરી છે. હુથીઓએ દાવો કર્યો છે કે તેમણે સાઉદી અરેબિયાના એક ઓઇલ ટેન્કરને આગળ વધતું અટકાવ્યું હતું. બીજી તરફ સાઉદી અરેબિયાએ જણાવ્યું કે ઇરાક તરફથી છોડવામાં આવેલા ડ્રોનને સતત બીજા દિવસે પણ હવાઈ સુરક્ષા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. જોકે ઇરાકમાં કાર્યરત સશસ્ત્ર જૂથોએ સાઉદી પર થયેલા હુમલામાં પોતાનો કોઈ હાથ હોવાનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ હુમલા માટે હુથી બળવાખોરો જવાબદાર છે.

સાઉદી અરેબિયાની મહત્વપૂર્ણ જાઝાન ઓઇલ રિફાઇનરી પણ આ સંઘર્ષથી પ્રભાવિત થઈ છે. હુથીઓના હુમલા બાદ સુરક્ષાના કારણોસર આ રિફાઇનરીનું કામકાજ બંધ કરવું પડ્યું હતું. દરરોજ આશરે ચાર લાખ બેરલ તેલનું ઉત્પાદન કરતી આ રિફાઇનરીમાં હવે સમારકામ ચાલી રહ્યું છે અને તે 15 ઓગસ્ટ બાદ ફરી શરૂ થઈ શકે તેવી શક્યતા છે. આ ઘટનાને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં પણ ચિંતા વધી છે. આ સમગ્ર સંઘર્ષ વચ્ચે હોર્મુઝની ખાડીનું મહત્વ ફરી ચર્ચામાં આવ્યું છે. ઓમાને હોર્મુઝના જળમાર્ગનું સંયુક્ત સંચાલન કરવાની દરખાસ્ત મૂકી હતી, પરંતુ ઈરાને તેને ફગાવી દીધી છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ જણાવ્યું કે હોર્મુઝને બે ભાગમાં વહેંચવાની કોઈ પણ યોજના સ્વીકાર્ય નથી. તેમના જણાવ્યા મુજબ, ઈરાનના જળવિસ્તારમાંથી જહાજોની અવરજવર અંગે ઈરાન પોતાની અલગ દરખાસ્ત રજૂ કરી ચૂક્યું છે. ઈરાનનું કહેવું છે કે હોર્મુઝની સ્થિતિ હવે યુદ્ધ પહેલાં જેવી રહેશે નહીં અને આ જળમાર્ગ પર તેની સુરક્ષા અને હિતોને પ્રાથમિકતા આપવામાં આવશે.

હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વેપારી અને ઊર્જા માર્ગોમાંથી એક છે. અહીં કોઈપણ પ્રકારનો તણાવ વૈશ્વિક તેલ અને ગેસના પુરવઠા પર સીધી અસર કરે છે. તેથી આ વિસ્તારમાં વધતા સંઘર્ષને લઈને વિશ્વના અનેક દેશો ચિંતિત બન્યા છે. ભારતે પણ આ સમગ્ર ઘટનાક્રમ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિએ હોર્મુઝની ખાડીમાં વેપારી જહાજો પર થતા હુમલાની કડક નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં જીએફએસ ગેલેક્સી, એમટી અલ બહિયાહ અને એમટી મોમ્બાસા સહિતના વેપારી જહાજો પર હુમલા થયા હતા. આ હુમલાઓમાં કેટલાક ભારતીય ખલાસીઓને ઈજા પહોંચી હતી અને કેટલાકના મોત પણ થયા હતા. ભારતે સ્પષ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં વેપારી જહાજો અને નાગરિક ખલાસીઓને નિશાન બનાવવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે જેથી વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા પર કોઈ નકારાત્મક અસર ન પડે. હાલની સ્થિતિને જોતા પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ વિસ્તરવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અમેરિકા, ઈરાન, સાઉદી અરેબિયા, હુથી બળવાખોરો અને અન્ય ઈરાન સમર્થિત જૂથો વચ્ચે વધી રહેલા હુમલા સમગ્ર વિસ્તારને વધુ અસ્થિર બનાવી રહ્યા છે. વિશ્વભરના દેશો હવે આ યુદ્ધને વધુ ફેલાતું અટકાવવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top