ભારતીય રેલવેએ મોટા જૂથમાં મુસાફરી કરતા લોકો માટે એક ખાસ સુવિધા શરૂ કરી છે. હવે લગ્ન પ્રસંગ, ધાર્મિક યાત્રા, શાળા-કોલેજના શૈક્ષણિક પ્રવાસ અથવા અન્ય કોઈ મોટા કાર્યક્રમ માટે અલગ-અલગ મુસાફરોની ટિકિટ બુક કરાવવાની જરૂર નહીં રહે. IRCTC દ્વારા ફુલ ટેરિફ રેટ (FTR) યોજના હેઠળ જરૂરિયાત મુજબ આખો ટ્રેન કોચ અથવા સંપૂર્ણ ટ્રેન બુક કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાનો લાભ લગ્નમાં જતા પરિવારજનો અને મહેમાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓના પ્રવાસ, ધાર્મિક યાત્રા માટે જતા સંઘો, સામાજિક સંસ્થાઓ તેમજ મોટા જૂથો લઈ શકશે. જો મોટી સંખ્યામાં લોકો સાથે એક જ સ્થળે જવાનું આયોજન હોય તો આ સેવા વધુ અનુકૂળ બની શકે છે.
FTR યોજના હેઠળ બુકિંગ માટે મુસાફરીની તારીખથી ઓછામાં ઓછા 30 દિવસ પહેલાં અરજી કરવી જરૂરી રહેશે. જ્યારે વધુમાં વધુ 6 મહિના અગાઉ પણ બુકિંગ કરી શકાય છે. એક ટ્રેનમાં વધુમાં વધુ 10 કોચ બુક કરવાની મંજૂરી આપવામાં આવી છે. દરેક કોચ માટે રૂ. 50,000ની રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે. અરજીની તપાસ અને મંજૂરી બાદ નક્કી કરાયેલું ભાડું ચૂકવતાં બુકિંગ કન્ફર્મ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી શકાય છે.
આ માટે IRCTCના FTR પોર્ટલ પર અલગ એકાઉન્ટ બનાવવું પડશે. ત્યારબાદ મુસાફરીની તારીખ, રૂટ, કોચની સંખ્યા અને અન્ય જરૂરી વિગતો ભર્યા બાદ રેફરન્સ નંબર જનરેટ થશે. ત્યાર પછી સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી રહેશે. મંજૂરી મળ્યા બાદ અંતિમ ભાડું ચૂકવતાં બુકિંગ પૂર્ણ થશે. રેલવેની આ નવી સુવિધાથી લગ્ન પ્રસંગો, ધાર્મિક યાત્રાઓ, શૈક્ષણિક પ્રવાસો અને મોટા જૂથો માટે મુસાફરીનું આયોજન વધુ સરળ અને સુવ્યવસ્થિત બનશે.