ભારતમાં જાહેર સ્થળોએ ગમે ત્યાં કચરો ફેંકવાની લોકોની આદત પર બોમ્બે હાઇકોર્ટે કડક નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, લોકો વિદેશમાં જાય ત્યારે ત્યાંના સ્વચ્છતા સંબંધિત તમામ નિયમોનું પાલન કરે છે, પરંતુ ભારતમાં આવીને રસ્તા, જાહેર સ્થળો અને દરિયાકિનારાઓ પર બેફામ કચરો ફેંકે છે. કોર્ટે સવાલ ઉઠાવ્યો કે, “શું આઝાદી અને લોકશાહીની કિંમત આ જ છે?”
જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ આરતી સાઠેની બેન્ચે જણાવ્યું કે, સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જાળવવું દરેક નાગરિકની જવાબદારી છે. જો લોકો પોતે જ નિયમોનું પાલન નહીં કરે તો માત્ર સરકાર કે મહાનગરપાલિકા એકલી શહેરને સ્વચ્છ રાખી શકશે નહીં. આ ટિપ્પણી મુંબઈના કંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીક રહેતા લોકોને દુર્ગંધ, પ્રદૂષણ અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ અંગે દાખલ થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. કોર્ટે નાગરિક તંત્રને રસ્તા પર કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપ્યો છે.
હાઇકોર્ટે પ્લાસ્ટિકના વધતા કચરાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે આજે દરિયાકિનારાઓ પણ પ્લાસ્ટિકના કચરાથી ભરાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ થાય છે કે, “શું આપણે ખરેખર કોઈ સભ્ય સમાજમાં રહીએ છીએ?” કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાના ‘સ્વચ્છ મુંબઈ’ અભિયાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે માત્ર સૂત્રો આપવાથી કામ નહીં ચાલે. નાગરિકો અને સરકારી તંત્ર બંનેએ પોતાની જવાબદારી નિભાવવી પડશે. દરેક વોર્ડમાં સફાઈ વ્યવસ્થા વધુ અસરકારક બનાવવી જરૂરી છે જેથી જાહેર સ્થળો કચરાના ઢગલામાં ફેરવાઈ ન જાય.
અદાલતે રાજાબાઈ ટાવર અને હાઇકોર્ટ જેવી ઐતિહાસિક ઇમારતોની આસપાસ કચરો ઉપાડવાની હાલની પદ્ધતિ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું કે વિદેશી પ્રવાસીઓ જ્યારે આ સ્થળોની મુલાકાતે આવે છે ત્યારે તેમને રસ્તાઓ પર પડેલો કચરો અને કચરાના વાહનો જોવા મળે છે, જે શહેરની છબીને નુકસાન પહોંચાડે છે. બોમ્બે હાઇકોર્ટે મહાનગરપાલિકાને એક અઠવાડિયામાં યોગ્ય કાર્યવાહી કરીને અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો વધુ કડક આદેશો આપવામાં આવશે.