અમેરિકામાં રશિયા સામે વધુ કડક કાર્યવાહી માટે એક મહત્વપૂર્ણ બિલને સેનેટની મંજૂરી મળી છે. આ બિલ અનુસાર, જો કોઈ દેશ મોટા પ્રમાણમાં રશિયા પાસેથી તેલ અથવા કુદરતી ગેસ ખરીદતો રહેશે, તો અમેરિકા તેના પર 100 ટકા સુધીનો વધારાનો ટેરિફ (આયાત શુલ્ક) લગાવી શકશે. આ નિર્ણયથી ભારત સહિત અનેક દેશોની ચિંતા વધી છે, કારણ કે ભારત પણ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદે છે. આ બિલ હવે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચર્ચા માટે જશે. જો ત્યાં પણ તેને મંજૂરી મળી જશે અને ત્યારબાદ પ્રમુખની મંજૂરી મળશે, તો આ કાયદો અમલમાં આવી શકે છે. તે સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો તેમજ ભારતની ઊર્જા નીતિ પર તેની અસર જોવા મળી શકે છે.
આ સમગ્ર મુદ્દે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતની ઊર્જા નીતિ હંમેશા રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. દેશના 140 કરોડથી વધુ લોકોની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવી સરકારની સૌથી મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે ભારત કોઈ એક દેશ પર નિર્ભર નથી. ભારત અમેરિકા સહિત અનેક દેશોમાંથી ક્રૂડ ઓઈલ અને અન્ય ઊર્જા સ્ત્રોતોની આયાત કરે છે. તેથી ઊર્જા સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું કે આ મુદ્દે ભારત સતત અમેરિકાના સંબંધિત અધિકારીઓ અને અન્ય હિસ્સેદારો સાથે સંપર્કમાં છે. સરકાર સમગ્ર પરિસ્થિતિનું નજીકથી મૂલ્યાંકન કરી રહી છે અને ભારતના હિતોને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે. આ બિલનું નામ ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ, 2026’ રાખવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને સહયોગ આપતા દેશો, સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે વધુ કડક પ્રતિબંધો લાદવાનો છે.
બિલમાં રશિયાના સરકારી અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓ, તેમના પરિવારના સભ્યો, બેંકો, નાણાકીય સંસ્થાઓ અને રશિયન તેલની નિકાસમાં મદદ કરતી કહેવાતી ‘શેડો ફ્લીટ’ને પણ નિશાન બનાવવામાં આવી છે. ‘શેડો ફ્લીટ’ એવા જહાજોના નેટવર્કને કહેવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચીને રશિયન તેલની હેરફેર કરે છે. આ બિલની સૌથી મહત્વની જોગવાઈ કલમ 113માં છે. તેના હેઠળ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને સત્તા આપવામાં આવશે કે જે દેશો મોટા પ્રમાણમાં રશિયન તેલ અથવા ગેસ ખરીદે છે અથવા રશિયાને પ્રતિબંધો ટાળવામાં મદદ કરે છે, તેમના દેશોમાંથી અમેરિકા આવતા માલ પર 100 ટકા સુધીનો વધારાનો ટેરિફ લગાવી શકે.
આ જોગવાઈ હેઠળ ભારત ઉપરાંત ચીન, હંગેરી, સ્લોવાકિયા અને અઝરબૈજાન જેવા દેશો પણ આવી શકે છે. કારણ કે આ દેશો હાલમાં રશિયન ક્રૂડ ઓઈલના મોટા ખરીદદારોમાં સામેલ છે. બિલમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ પણ રાખવામાં આવી છે. તેના મુજબ અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ને દર 180 દિવસે રશિયન તેલ ખરીદનારા ટોચના પાંચ દેશોની સમીક્ષા કરવાની રહેશે. આ સમીક્ષા દરમિયાન તેઓ દરેક દેશ દ્વારા કરવામાં આવતી ખરીદીના આધારે ટેરિફમાં ફેરફાર કરવાની ભલામણ પણ કરી શકશે.
જો આ કાયદો અમલમાં આવશે તો ભારત માટે કેટલીક નવી પડકારજનક પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે. ખાસ કરીને અમેરિકા તરફ નિકાસ થતા ભારતીય માલ પર વધારાનો ટેરિફ લાગવાની શક્યતા રહેશે. જેના કારણે વેપાર ખર્ચ વધી શકે છે અને કેટલાક ક્ષેત્રોમાં નિકાસને અસર પહોંચી શકે છે. બીજી તરફ ભારત માટે રશિયન તેલ મહત્વનું છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સસ્તા દરે મળતા રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ કારણે દેશની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી છે અને ઇંધણના ખર્ચને નિયંત્રણમાં રાખવામાં પણ સહાય થઈ છે.
ભારત લાંબા સમયથી સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તેની વિદેશ નીતિ અને ઊર્જા નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રથમ સ્થાન આપે છે અને કોઈપણ આંતરરાષ્ટ્રીય નિર્ણય લેતી વખતે દેશના લોકોના હિતોને ધ્યાનમાં રાખે છે. અમેરિકા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક સંબંધો સતત મજબૂત બની રહ્યા છે. સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં જો આ બિલ કાયદો બનશે તો બંને દેશો વચ્ચે આ મુદ્દે ચર્ચા અને સમાધાનની પ્રક્રિયા વધુ મહત્વપૂર્ણ બની શકે છે.
હાલમાં આ બિલ માત્ર અમેરિકાના સેનેટમાંથી પસાર થયું છે. હવે તેની આગામી પરીક્ષા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં થશે. ત્યારબાદ જ તેના અંતિમ અમલ અંગે સ્પષ્ટતા થશે. ત્યાં સુધી ભારત સરકાર સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે અને પોતાના હિતોની રક્ષા માટે જરૂરી તમામ વિકલ્પો પર વિચાર કરી રહી છે. ભારત માટે સૌથી મહત્વની બાબત એ છે કે દેશની ઊર્જા સુરક્ષા જળવાઈ રહે અને વેપાર સંબંધો પર અનાવશ્યક અસર ન પડે. તેથી આગામી દિવસોમાં આ બિલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે વધુ ચર્ચાઓ થવાની સંભાવના છે.