India

TCS કેસમાં ફરાર નિદા ખાનને શોધવા દોડધામ

પતિએ આપેલી લોકેશન પર પોલીસ ને ઘર બંધ મળ્યું

મહારાષ્ટ્રના નાશિકમાં Tata Consultancy Services (TCS) સાથે જોડાયેલા હેરાનગતિ અને જબરદસ્તી ધર્મપરિવર્તનના કેસમાં તપાસ વધુ તેજ બની રહી છે. આ કેસમાં આરોપી તરીકે નામ સામે આવેલી નિદા ખાન હજુ સુધી ફરાર છે, જેને શોધવા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે.

તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે કે નિદા ખાનના પતિએ પોલીસને તેની લોકેશન વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ જ્યાં તે હોવાનો અંદાજ હતો તે સ્થળ બંધ મળ્યું. જેના કારણે તપાસને વધુ જટિલ વળાંક મળ્યો છે

આ સમગ્ર કેસમાં અત્યાર સુધી સાત કર્મચારીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ તમામ પર કામકાજ દરમિયાન મહિલા કર્મચારીઓ સાથે માનસિક અને શારીરિક હેરાનગતિ કરવાના તેમજ ધર્મપરિવર્તન માટે દબાણ બનાવવાના ગંભીર આક્ષેપો લાગેલા છે. પોલીસને આ મામલે કુલ નવ ફરિયાદો મળી છે, અનેક મહિલાઓએ પોતાની સાથે થયેલા શોષણની વાત કરી છે.

તપાસમાં આ પણ સામે આવ્યું છે કે કેટલીક ફરિયાદોમાં HR વિભાગ પર પણ આરોપ છે કે તેઓએ પીડિતાઓની ફરિયાદોને ગંભીરતાથી લીધી નહોતી. આ મામલે કંપનીએ પણ પોતાના સ્તરે કાર્યવાહી કરતાં આરોપી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે.

બીજી તરફ, આરોપીઓના પરિવારજનો આ તમામ આરોપોને નકારી રહ્યા છે અને સમગ્ર કેસને એક “સાજિશ” ગણાવી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે તેમના સભ્યોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને હકીકત અલગ છે. હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર નિદા ખાનને ઝડપી પાડવાનો છે. તેની ધરપકડ બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા આવી શકે છે. આ કેસે માત્ર TCS જ નહીં પરંતુ કોર્પોરેટ ક્ષેત્રમાં મહિલાઓની સુરક્ષા અંગે પણ મોટા પ્રશ્નો ઉભા કર્યા છે, જો કે તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top