World

ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,

બાદમાં છરી લઈને દોડ્યો હુમલા ખોર, ઈટાલીના મોડેના શહેરમાં હાહાકાર

8 લોકો ઘાયલ, 4ની હાલત ગંભીર; હુમલો કે અકસ્માત? તપાસ શરૂ

Italy ના #Modena શહેરમાં એક ભયાનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ અચાનક પોતાની કાર ફૂટપાથ પર ચઢાવી દીધી હતી, જેના કારણે અનેક લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એટલું જ નહીં, કાર અટક્યા બાદ આરોપી છરી લઈને લોકો તરફ દોડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં કુલ 8 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ઘટના મોડેનાના વ્યસ્ત વિસ્તારમાં બની હતી જ્યાં લોકો સામાન્ય રીતે અવરજવર કરી રહ્યા હતા. અચાનક એક કાર ઝડપથી ફૂટપાથ તરફ વળી ગઈ અને ત્યાં ઉભેલા તથા ચાલી રહેલા લોકોને ટક્કર મારી દીધી. ઘટનાના દૃશ્યો જોઈ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને વિસ્તારમાં ચીસો તથા ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, કાર રોકાયા બાદ ડ્રાઈવર વાહનમાંથી બહાર આવ્યો અને તેના હાથમાં છરી હોવાની વાત સામે આવી છે. કહેવાય છે કે તેણે લોકો તરફ દોડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે લોકો વધુ ભયભીત થઈ ગયા હતા. જોકે, ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ઇમરજન્સી ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ચાર લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક લોકોના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું કહેવાઈ રહ્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઘટનાસ્થળ પર ઉભેલી ભીડ, રસ્તા પર પડેલા લોકો અને ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો મદદ માટે બુમો પાડતા અને ઇમરજન્સી સેવા ઓને બોલાવતા દેખાઈ રહ્યા છે.હાલ ઇટાલીની પોલીસ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

શરૂઆતમાં આ ઘટના અકસ્માત હતી કે ઈરાદાપૂર્વકનો હુમલો હતો તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ આરોપીની માનસિક સ્થિતિ, તેના પાછળના કારણો અને ઘટનાની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ તપાસી રહી છે. ઘટના આતંકી હુમલો હતી કે વ્યક્તિગત કારણોસર કરવામાં આવી હતી તે જાણવા માટે પણ વિવિધ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે. ઘટનાસ્થળ આસપાસ સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક ટીમોએ પણ સ્થળ પરથી પુરાવાઓ એકત્રિત કર્યા છે.

આ ઘટનાએ ફરી એકવાર યુરોપમાં જાહેર સ્થળોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપના અનેક દેશોમાં આવી પ્રકારની વાહન હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેના કારણે હવે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.ઇટાલીના રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે. ઘણા લોકોએ નિર્દોષ લોકો પર થયેલી આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.

હાલ સમગ્ર દેશની નજર પોલીસ તપાસ પર ટકેલી છે. આગામી દિવસોમાં તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે આ ઘટના અકસ્માત હતી કે આયોજનબદ્ધ હુમલો. પરંતુ હાલ માટે મોડેના શહેરમાં આ ઘટનાએ ભય અને ચિંતા ફેલાવી દીધી છે.

Most Popular

To Top