India

CBSE 12નું પરિણામ આ દિવસે આવી શકે!

છેલ્લાં 5 વર્ષના ટ્રેન્ડ પરથી મોટો સંકેત, વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા વધી

કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા 2026ની 10મી ક્લાસનું પરિણામ જાહેર થયા બાદ હવે સમગ્ર દેશમાં લાખો વિદ્યાર્થીઓ અને માતા-પિતા CBSE 12નું પરિણામ ક્યારે આવશે? તે અંગે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડને ધ્યાનમાં લઈ શિક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે પરિણામ સામાન્ય રીતે મે મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના છે.

છેલ્લા પાંચ વર્ષના પરિણામના ટ્રેન્ડ પર નજર કરીએ તો CBSE સામાન્ય રીતે મે મહિનાના મધ્ય દરમિયાન 12નું પરિણામ જાહેર કરતું આવ્યું છે. વર્ષ 2025માં પરિણામ 13 મેના રોજ જાહેર થયું હતું, જ્યારે 2024 અને 2023માં પણ પરિણામ મે મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થયું હતું.

પરંતુ 2026માં પરિણામ થોડું વહેલું આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે ઉત્તરપત્રિકાઓનું ડિજિટલ મૂલ્યાંકન (Digital Evaluation) કરવામાં આવતું હોવાથી પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે છે. આ કારણે કેટલાક અહેવાલોમાં મેના પ્રથમ અઠવાડિયા સુધી પરિણામ જાહેર થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
જો કે CBSE તરફથી હજુ સુધી પરિણામની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. છતાં અગાઉના વર્ષોના પેટર્ન અને હાલ ચાલી રહેલી મૂલ્યાંકન પ્રક્રિયા આધારે પરિણામ એપ્રિલના અંતથી મેના પ્રારંભ વચ્ચે અથવા વધુમાં વધુ મેના મધ્ય સુધી જાહેર થવાની શક્યતા માનવામાં આવે છે.

વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા બાદ તેને CBSEની સત્તાવાર વેબસાઇટ ઉપરાંત DigiLocker, UMANG એપ અને SMS દ્વારા પણ ચેક કરી શકશે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી તૈયાર રાખવી પડશે. હાલ માટે CBSE તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે, પરંતુ છેલ્લા વર્ષોના ટ્રેન્ડને ધ્યાનમાં લઈ કહી શકાય કે હવે થોડા જ દિવસોમાં 12મું પરિણામ જાહેર થવાની શક્યતા છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા શિખરે પહોંચી છે.

Most Popular

To Top