સરકારે સાંસદોને મોકલેલા ત્રણ ડ્રાફ્ટ બિલમાં બે મોટા ઐતિહાસિક ફેરફારોનો પ્રસ્તાવ છે: પ્રથમ, લોકસભાની બેઠકોની સંખ્યા ૫૪૩ થી વધારીને મહત્તમ ૮૫૦ કરવી અને બીજું, સંસદના નીચલા ગૃહ, એટલે કે લોકસભામાં અને રાજ્યોની વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી. આ બિલો ૧૬ થી ૧૮ એપ્રિલ દરમિયાન બોલાવાયેલા સંસદના ખાસ સત્રમાં રજૂ કરવામાં આવ્યાં છે.
હકીકતમાં મહિલા અનામત બિલ ૨૦૨૩માં સંસદમાં પસાર કરી દેવામાં આવ્યું હતું પણ તેનો અમલ ૨૦૨૪ની ચૂંટણીથી કરવાને બદલે ૨૦૨૯થી કરવા પાછળ સરકારની ચાલાકી હતી. તેમાં શરત એવી હતી કે મહિલા અનામત બિલનો અમલ કરતાં પહેલાં લોકસભા અને વિધાનસભાઓની બેઠકો વધારવા સીમાંકન કરવું. આ સીમાંકન સામે વિપક્ષોનો વિરોધ છે. સરકારની યોજના મુજબ જ્યાં સુધી સીમાંકન ન થાય ત્યાં સુધી મહિલા અનામત બિલનો અમલ કરી શકાય તેમ નથી. માટે જે વિપક્ષો સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે તેમને મહિલા અનામતના વિરોધી ઠરાવીને સરકાર પોઈન્ટ સ્કોર કરવા માગે છે. વિધાનસભાની ચૂંટણીના ટાંકણે આ બિલો લાવીને સરકાર ચૂંટણીમાં પણ તેનો લાભ ઉઠાવવા માગે છે.
આ વિવાદ ૨૦૨૩ માં પસાર થયેલા નારીશક્તિ-વંદન કાયદા પર આધારિત છે, જેમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ હતી, પરંતુ તેના અમલીકરણને ભવિષ્યની વસતીગણતરી અને સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવ્યું હતું. આ કારણોસર ૨૦૨૩નો કાયદો સંસદમાં લગભગ સર્વાનુમતે પસાર થયો હોવા છતાં ઘણાં લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે ૩૩ ટકા મહિલા અનામત લાગુ થવામાં એક દાયકાથી વધુ સમય લાગી શકે છે. જો આ ત્રણ બિલ પસાર થઈ જાય તો ૨૦૨૯ ની સામાન્ય ચૂંટણીઓમાં આ અનામતનો માર્ગ મોકળો થઈ શકે છે. વિરોધ પક્ષોએ તેને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલાં મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ ગણાવ્યો અને તેને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી હતી.
લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને ૮૫૦ કરવાના પ્રસ્તાવ અંગે સૌથી વધુ ટીકા થઈ રહી છે. ઘણા વિપક્ષી નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે બેઠકોની પુનઃ ફાળવણી માટેનો આધાર વસતીગણતરી હોવાથી લોકસભામાં દક્ષિણનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટાડી શકે છે, કારણ કે દક્ષિણ ભારતની વસતીમાં ઘટાડો થયો છે, જ્યારે યુપી-બિહાર જેવાં રાજ્યોની વસતીમાં વૃદ્ધિ થઈ છે. બંધારણ (૧૩૧મો સુધારો) બિલ, ૨૦૨૬, લોકસભામાં મહત્તમ ૮૫૦ બેઠકોનો પ્રસ્તાવ મૂકે છે.
તે પૈકી રાજ્યોમાંથી ૮૧૫ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૩૫ બેઠકો આવશે. હાલમાં લોકસભામાં ૫૪૩ બેઠકો છે અને બંધારણ મહત્તમ ૫૫૦ બેઠકોની જ છૂટ આપે છે. આ બિલમાં ૧૯૭૧ની વસતી ગણતરીના આધારે લોકસભાની બેઠકોની સંખ્યા પરની મર્યાદા દૂર કરવા માટે બંધારણના અનુચ્છેદ ૮૧માં સુધારો કરવાનો પણ પ્રસ્તાવ છે. બંધારણની કલમ ૮૧ ની આ જોગવાઈઓને કારણે ૧૯૭૬ થી લોકસભાની બેઠકોની સંખ્યામાં વધારો થયો નથી.
જો વર્તમાન લોકસભાનો આધાર ૧૯૭૧ની વસતીગણતરી હતી, તો પછી લોકસભામાં બેઠકો વધારવાનો પ્રસ્તાવ કયા આધારે કરવામાં આવી રહ્યો છે? આ પ્રશ્નનો જવાબ સીમાંકન બિલમાં રહેલો છે. આ બિલના ઉદ્દેશો જણાવે છે કે સીમાંકન પ્રક્રિયા નવીનતમ પ્રકાશિત વસતીગણતરી પર આધારિત હશે. છેલ્લી વસતી ગણતરી ૨૦૧૧ માં હાથ ધરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે ૨૦૧૧ ની વસતીગણતરી આ બિલનો આધાર હશે. આ મુદ્દે દક્ષિણનાં રાજ્યો લોકસભામાં તેમના પ્રતિનિધિત્વમાં ઘટાડો થવાથી ચિંતિત છે. અત્યાર સુધી દરેક રાજ્યને ફાળવવામાં આવનારી સંસદીય બેઠકોની રાજ્યની વસતીના આધારે નક્કી કરવામાં આવતી હતી.
દાયકાઓથી, ભારતમાં વસતીની અસમાન વૃદ્ધિનો અનુભવ થયો છે, જેમાં દક્ષિણનાં રાજ્યોની વસતી ઘટી રહી છે અને ઉત્તરનાં રાજ્યોની વસતી વધી રહી છે. અભ્યાસો દર્શાવે છે કે જો વર્તમાન પરિસ્થિતિમાં વસતી ગુણોત્તરના સમાન માપદંડો લાગુ કરવામાં આવે તો લોકસભામાં દક્ષિણનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ નબળું પડશે. દક્ષિણનાં રાજ્યોને પ્રગતિશીલ માનવામાં આવે છે. તેમણે કુટુંબ નિયોજનની નીતિઓ વધુ સારી રીતે અપનાવી છે અને નાનાં પરિવારોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.
દક્ષિણનાં રાજ્યોને લાગે છે કે વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવાના તેમના પ્રયાસો તેમને ગેરલાભમાં મૂકશે. દક્ષિણનાં રાજ્યોને ડર છે કે કુટુંબ નિયોજનના સારા કાર્ય માટે પુરસ્કાર મળવાને બદલે તેમને નુકસાન થશે અને જો વસતીના આધારે બેઠકો નક્કી કરવામાં આવશે તો ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં વધુ વસતીવાળાં રાજ્યોમાં દક્ષિણનાં રાજ્યો કરતાં ઘણી બેઠકો વધશે અને ઉત્તરનાં રાજ્યોને લગતા મુદ્દાઓને સંસદમાં પ્રાથમિકતા મળવા લાગશે.
મહિલા સંગઠનો અને મહિલા સાંસદો દાયકાઓથી મહિલાઓ માટે અનામતની માંગણી કરી રહ્યાં છે. હાલમાં લોકસભામાં ૭૮ મહિલા સાંસદો (કુલ બેઠકોના ૧૪ ટકા) અને રાજ્યસભામાં ૪૨ મહિલા સાંસદો (કુલ બેઠકોના ૧૮ ટકા) છે. સેન્ટર ફોર સોશ્યલ રિસર્ચના આંકડા અનુસાર વિશ્વભરમાં સંસદમાં મહિલાઓનું સરેરાશ પ્રતિનિધિત્વ ૨૭.૨ ટકા છે. આનો અર્થ એ થયો કે સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ વિશ્વની સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછું છે.
૨૦૨૩ માં ભારતે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત સુનિશ્ચિત કરતો કાયદો પસાર કર્યો હતો, પરંતુ તે વસતીગણતરી અને ત્યાર બાદના સીમાંકન પછી જ અમલમાં આવવાનો હતો. પ્રસ્તાવિત બંધારણ (૧૩૧ મો સુધારો) બિલ ૨૦૨૬ જણાવે છે કે આ શરત આપણી લોકશાહી વ્યવસ્થામાં મહિલાઓની અસરકારક અને સમર્પિત ભાગીદારીમાં વિલંબ કરશે.
તેમાં વધુમાં દરખાસ્ત કરવામાં આવી છે કે બેઠકોના સીમાંકનમાં આ અનામત નવીનતમ પ્રકાશિત વસતી ગણતરીના ડેટા, એટલે કે, ૨૦૧૧ ની વસતી ગણતરીના આધારે લાગુ કરવામાં આવે. મહિલાઓ માટે અનામત બેઠકોનું પરિભ્રમણ દરેક સીમાંકન ચક્ર પછી થશે. આ અનામત ૧૫ વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે, જેને સંસદ દ્વારા લંબાવી શકાય છે. જ્યારે મોટા ભાગના પક્ષો આ જોગવાઈના અંતિમ ઉદ્દેશ પર સહમત હોય તેવું લાગે છે, ત્યારે વિપક્ષી નેતાઓએ રાજ્યોની ચૂંટણીઓ વચ્ચે તેની રજૂઆતના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો છે.
પશ્ચિમ બંગાળના રાજ્યસભા સાંસદ સાકેત ગોખલેએ લખ્યું કે સરકાર સીમાંકનના તેના વાસ્તવિક એજન્ડાને આગળ વધારવા માટે મહિલાઓનો ઉપયોગ બહાનાં તરીકે કરી રહી છે. તેમણે એ પણ નોંધ્યું કે તેમના પક્ષના ૩૯ ટકા સાંસદો મહિલાઓ છે. જ્યારે આ બિલ ૨૦૨૩ માં પસાર થયું, ત્યારે વિપક્ષી પક્ષોએ અનામતનો તાત્કાલિક અમલ કરવાની માંગણી કરી હતી, પરંતુ અમારી માંગણીઓને અવગણવામાં આવી હતી.
દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સામાજિક કાર્યકર્તા અંજલિ ભારદ્વાજે પણ કંઈક આવું જ કહ્યું કે જ્યારે આ બિલ ૨૦૨૩ માં પસાર થયું, ત્યારે મહિલા સંગઠનોએ સરકારને પૂછ્યું કે તેના અમલીકરણમાં વિલંબ કેમ થઈ રહ્યો છે અને તેને વસતીગણતરી અને સીમાંકન સાથે કેમ જોડવામાં આવી રહ્યો છે? પરંતુ તે કાયદામાં એવી જોગવાઈ હતી કે વસતી ગણતરી અથવા સીમાંકન વિના કોઈ મહિલા અનામત નહીં હોય. સરકારે યુ-ટર્ન લીધો છે અને હવે તે કહી રહી છે કે તે મહિલા અનામતને વસતી ગણતરી અને સીમાંકનથી અલગ કરવા માંગે છે. સરકાર ભલે ગમે તે કહે, તેણે મહિલા અનામતના કાયદાનો રાજકીય લાભ ઉઠાવી લીધો છે, પણ આ કાયદાનો અમલ ૨૦૨૯ પહેલાં ન થાય તેની ખાતરી પણ કરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.