Vadodara

વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર

સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રિપુટીને હરિયાણાથી ઝડપી પાડી હતી

આરોપીઓ પાસેથી કબજે કરેલા મોબાઈલમાથી ડિટેલ્સ પણ કઢાવાશે

વડોદરા તા.16

વડોદરાના નંદેસરી વિસ્તારમાં થયેલા 43 લાખના દારૂ કૌભાંડમાં વોન્ટેડ આરોપી સુનિલ ઉર્ફે અદા સહિત ત્રણ આરોપીને સ્ટેટ મોનીટરીંગ સેલે હરિયાણાથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તેમના બે દિવસના પોલીસ રિમાન્ડ પર મંજૂર કર્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીઆઈ બી.એચ. રાઠોડની આગેવાની હેઠળની ટીમે લાંબા સમયથી ફરાર રહેલા સુનિલ ઉર્ફે અદા પ્રકાશ કેવલરામાણી, પલકેશ ઉર્ફે પલ્લી કિશનચંદ ધામેચા અને સંજય ઉર્ફે અન્નો કિશોરસિંહ સિંહને હરિયાણાના રેવાડી ખાતે આવેલા ફ્લેટમાંથી ઝડપી પાડ્યા હતા.
આરોપીઓને 15 એપ્રિલના રોજ ધરપકડ કરીને વડોદરા લાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત બે કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
SMC દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે પ્રાથમિક તબક્કે માત્ર બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે 29 માર્ચે નંદેસરી વિસ્તારમાં SMCએ દરોડા પાડી 43 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ, 8 વાહનો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે તાજેતરમાં વધુ 3 આરોપીઓની ધરપકડ સાથે પણ લાલુ સિંધી સહિત હજુ 8 આરોપીઓ ફરાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.

: રિમાન્ડ દરમ્યાન તપાસના મુદ્દા

  • દારૂનો જથ્થો ક્યાંથી અને કોના માધ્યમથી મંગાવવામાં આવ્યો હતો
  • દારૂનો પુરવઠો કોને અને કઈ રીતે કરવામાં આવતો હતો
  • ગેંગને આર્થિક સહાય કોણ આપતું હતું અને નાણાનો વહીવટ કેવી રીતે થતો હતો
  • નાણાંનો અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ઉપયોગ થયો છે કે નહીં

Most Popular

To Top