દેવગઢ બારીયા તાલુકાના વડભેટ ગામે હૃદયદ્રાવક ઘટના
માતા અને એક પુત્રી સારવાર હેઠળ, પોલીસ તપાસ શરૂ
દાહોદ, તા. 16 — દેવગઢ બારીયા તાલુકાના વડભેટ ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ત્રણ માસૂમ બાળકોના દુઃખદ મોત નિપજ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ વડભેટ ગામે રહેતી ચંપાબેન રાઠવા નામની મહિલાએ કૌટુંબિક કારણોસર ગામના સીમાડે આવેલા કૂવામાં પોતાના ચાર સંતાનો સાથે ઝંપલાવ્યું હતું. ઘટના અંગે જાણ થતાં જ ગામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તમામને કૂવામાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવમાં 12 વર્ષની પુત્રી પ્રિયંકા, 5 વર્ષનો ગિરિરાજ અને 2 વર્ષનો રાજવીરનું કરુણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે માતા ચંપાબેન અને પુત્રી સવિતાનો બચાવ થતાં તેઓને દેવગઢ બારીયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાએ આ પ્રકારનું આઘાતજનક પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને ગામમાં ભારે સ્તબ્ધતા છવાઈ ગઈ છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ