સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડીએ રાજકીય તાપમાન અચાનક વધ્યું છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાએ સમગ્ર રાજકીય માહોલમાં નવી ચર્ચા જગાવી છે. પાર્ટીએ પોતાના 111 ઉમેદવારોને શહેરની બહાર આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં એકસાથે રાખી ‘સેફ ઝોન’ બનાવ્યો છે, જે હવે રાજકીય ગલિયારોમાં હોટ ટોપિક બની ગયો છે.
માહિતી મુજબ, ઉમેદવારોને ડેડલાઈન પૂરી થાય ત્યાં સુધી બહાર ન જવા માટે સૂચના આપવામાં આવી છે. કેટલાક સ્ત્રોતો મુજબ, ઉમેદવારોના મોબાઇલ ફોન પણ બંધ રાખવામાં આવ્યા છે જેથી બહારના સંપર્કને સંપૂર્ણ રીતે કાપી શકાય. આ પગલાં પાછળનો મુખ્ય હેતુ વિરોધી પક્ષની સંભવિત તોડજોડથી બચવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે,ફાર્મ હાઉસની અંદર ઉમેદવારો માટે આરામદાયક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એર-કન્ડીશન્ડ હોલ, બેઠકો, ભોજન અને મનોરંજન જેવી સુવિધાઓ સાથે આખો દિવસ તેમને વ્યસ્ત રાખવાની યોજના ઘડાઈ છે. આ બધું સત્તાવાર રીતે ‘વિઝન ડોક્યુમેન્ટ’ કાર્યક્રમ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, પરંતુ રાજકીય વર્તુળોમાં તેને વ્યૂહાત્મક કવાયત તરીકે જોવામાં આવી રહ્યું છે.
સિક્યોરિટીના મામલે પણ ખાસ સાવચેતી રાખવામાં આવી છે. પ્રવેશદ્વાર પર કાર્યકરોની તૈનાતી છે અને કોઈ પણ અજાણી વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. અંદર જતા દરેક વ્યક્તિની ઓળખ ચકાસવામાં આવી રહી છે. ફાર્મ હાઉસને આસપાસથી લગભગ સીલ કરી દેવામાં આવ્યું હોય તેવી સ્થિતિ છે.
આ દરમિયાન, ફાર્મ હાઉસ નજીક એક રાજકીય પ્રતિસ્પર્ધી નેતાની કાર ફરતી જોવા મળતા ચર્ચા વધુ તેજ બની છે. આ ઘટનાને લઈને બંને પક્ષોમાં આક્ષેપ-પ્રત્યાઆક્ષેપનો દોર શરૂ થયો છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ચૂંટણી પહેલાં ઉમેદવારો તૂટવાના બનાવો સામે આવ્યા હતા. તે જ અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે પાર્ટીએ ‘ઓપરેશન રક્ષણ’ અમલમાં મૂક્યું હોવાનું કહેવાય છે. હવે જોવાનું રહેશે કે આ વ્યૂહરચના ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પાડે છે.