Vadodara

બાજવામાં ચૂંટણી પૂર્વે જ ‘ખેલ’ ખેલાયો: કોંગ્રેસે મેદાન છોડ્યું, ભાજપના અનિતાબેન બિનહરીફ વિજેતા

ફોર્મ પરત ખેંચ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર કેમેરા સામેથી ભાગ્યા; દબાણના આક્ષેપો વચ્ચે સંતોબેને કહ્યું- “મેં સ્વેચ્છાએ પીછેહઠ કરી છે”

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે વડોદરામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરાની બાજવા તાલુકા પંચાયત બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર સંતોબેને છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનિતાબેન બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ ઘટનાને પગલે કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે, જ્યારે ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક કોંગ્રેસના ઉમેદવારો મેદાન છોડી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અગાઉ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 અને ડભોઈની બેઠક પર પણ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. આ ક્રમમાં હવે બાજવા બેઠકનો પણ સમાવેશ થયો છે. ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચીને સંતોબેને જ્યારે ફોર્મ પરત ખેંચ્યું, ત્યારે ત્યાં કારણ પૂછવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રશ્નોથી બચતા દોડતા જોવા મળ્યા હતા.
ત્યાર બાદ કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સંતોબેને જણાવ્યું હતું કે, તેમના પર કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ નથી અને તેમણે પોતાની સ્વેચ્છાએ જ ફોર્મ પરત ખેંચ્યું છે. જોકે, તેમના ચહેરા પરની ઉદાસી અને મીડિયાના કેમેરા સામેથી ભાગવાની વૃત્તિને કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેમ ગભરાયેલા છે, ત્યારે તેમણે બચાવ કરતા કહ્યું કે પત્રકારો નો જમાવડો અને વધુ પડતા પ્રશ્નો પૂછતા હોવાથી તેઓ ગભરાઈ ગયા હતા.
બીજી તરફ, બિનહરીફ જાહેર થયેલા ભાજપના ઉમેદવાર અનિતાબેને પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના ઉમેદવારને કદાચ એવો અહેસાસ થયો હશે કે તેમનો પક્ષ નબળો છે અને ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, જેના કારણે તેમણે મેદાન છોડવાનો નિર્ણય કર્યો હશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગ્રામજનોનો જે રીતે તેમને સહકાર મળી રહ્યો હતો, તે જોઈને જ તેમની જીત નિશ્ચિત હતી.
આ ઘટનાએ વડોદરાના ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ભારે ચર્ચા જગાડી છે. વિપક્ષો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભાજપ દ્વારા ઉમેદવારો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે, જ્યારે ભાજપ તેને પોતાની લોકપ્રિયતા અને સંગઠનની શક્તિ ગણાવી રહ્યું છે. હાલ તો બાજવા બેઠક પર ભાજપનો કેસરીયો લહેરાઈ ચૂક્યો છે.

Most Popular

To Top