Vadodara

બુરખા’ પાછળ રાજકીય ખેલ ખેલાયો: વોર્ડ નં. 2 ના કોંગી ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ હંગામા વચ્ચે ફોર્મ પાછું ખેંચ્યું

લિફ્ટ રોકી, સૂત્રોચ્ચાર થયા, પોલીસ બોલાવવી પડી; છતાં છેલ્લી મિનિટે કોંગ્રેસના ઉમેદવાર મેદાન છોડી ચૂંટણી અધિકારી પાસે પહોંચી ગયા

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નં. 2 બેઠક પર ભારે નાટ્યાત્મક વળાંક જોવા મળ્યો હતો. કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ પક્ષના કાર્યકરોનો વિરોધ અને હંગામા વચ્ચે આખરે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચીને પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

વોર્ડ નં. 2 ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓ કોઈ ઓળખી ન જાય તે રીતે બુરખો પહેરીને ફોર્મ પાછું ખેંચવા માટે આવ્યા હતા. જોકે, કોંગ્રેસના કાર્યકરોને આ અંગેની ગંધ આવી જતાં તેઓએ કચેરીમાં જ ઘેરો ઘાલ્યો હતો. કાર્યકરોએ ‘ગદ્દારી’ ના સૂત્રોચ્ચાર સાથે ભૂમિ પ્રજાપતિને રોકવા માટે લિફ્ટને બ્લોક કરી દીધી હતી. લાંબા સમય સુધી લિફ્ટના દરવાજા વચ્ચે ઉભા રહી કાર્યકરોએ તેમને ઉપર જતા અટકાવ્યા હતા.

ચૂંટણી કચેરીમાં સર્જાયેલા આ હાઈવોલ્ટેજ ડ્રામાને પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એક તરફ કોંગ્રેસના કાર્યકરો તેમને ફોર્મ ખેંચતા અટકાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યા હતા, બીજી તરફ ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવાના મક્કમ નિર્ધાર સાથે આવ્યા હતા. ભારે અફરાતફરી અને ખેંચતાણ વચ્ચે, અંતે તેઓ નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી અધિકારીની ઓફિસ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા અને સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું.

વોર્ડ નં. 2 ના ઉમેદવાર દ્વારા લેવાયેલા આ આકસ્મિક નિર્ણયથી સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં સોંપો પડી ગયો છે. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષના દબાણ અથવા લાલચમાં આવીને ઉમેદવારે આ પગલું ભર્યું છે. તો બીજી તરફ, બુરખો પહેરીને ફોર્મ પરત ખેંચવા જવાની આ પદ્ધતિ આખા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

આ ઘટના સાથે હવે વોર્ડ નં. 2 માં ચૂંટણીનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ મેદાન છોડતા હવે આ બેઠક પર સીધો ફાયદો કોને થશે તે જોવું રહ્યું.

Most Popular

To Top