સુરતના ટેક્સટાઇલ વિસ્તારમાં ફરી એકવાર મોટી આગની ઘટના સામે આવી છે. આજરોજ 16 એપ્રિલે રિંગ રોડ પર આવેલા કમેલા દરવાજા નજીકની જાણીતી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-1માં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ વૈભવી ક્રિએશન નામની દુકાનમાં લાગી હતી. દુકાનમાં કાપડનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ભભૂકી ઉઠી અને ટૂંકા સમયમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જોતજાતામાં આ આગ નજીકની દુકાનોમાં પણ ફેલાઈ ગઈ. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. માર્કેટમાંથી ઉઠતા ઘેરા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા, જેના કારણે આસપાસના લોકોમાં ભય ફેલાયો. આગની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડે તાત્કાલિક મેજર કોલ જાહેર કર્યો હતો.
આગની ગંભીરતા જોતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. શહેરના અલગ-અલગ સ્ટેશનમાંથી 14થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો, જેથી ફાયર ટીમ ઝડપથી પહોંચી શકે. સાથે જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. ફાયર જવાનો ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
સાવચેતીના ભાગરૂપે માર્કેટમાં હાજર તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા અને સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો. આ દરમિયાન ઘણા વેપારીઓ પોતાનો માલ બચાવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જવાથી વેપારીઓને ભારે આર્થિક નુકસાન થવાની આશંકા છે. વારંવાર લાગતી આગની ઘટનાઓથી સુરતના લોકોનો એક જ સવાલ છે, સુરત આ બધું શું થઈ રહ્યું છે?