ઘોડે સવારી સાથે હજારો કાર્યકરોની હાજરીમાં ભાજપનો પ્રચાર પ્રારંભ
ફોર્મ પરત ખેંચવાની બાબતે અગાઉ ભાજપ–કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થઈ હતી મારામારી
ગુજરાત મિત્ર ન્યૂઝ | ડભોઇ, તા. 16 એપ્રિલ
ડભોઇ તાલુકા પંચાયતની લિંગસ્થળી અને કુંઢેલા ગામની ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની બાબતે થયેલી બોલાચાલી અને મારામારીની ઘટનાના બીજા જ દિવસે ભાજપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટના ગામ સાઠોડ ખાતે પહોંચી ઘોડે સવારી સાથે વિશાળ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને જે ગામની વ્યક્તિ દ્વારા ધારાસભ્ય પર હુમલો થયાનો આક્ષેપ થયો હતો, એ જ સાઠોડ ગામમાંથી પ્રચાર શરૂ થતા રાજકીય માહોલ વધુ ગરમાયો હતો. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
માહિતી મુજબ, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોંગ્રેસ અને ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ખેંચતાણ અને છૂટ્ટા હાથની મારામારી પણ થઈ હતી. આ દરમિયાન ધારાસભ્યનો કોલર પકડાયો હોવાની પણ ચર્ચા થઈ હતી. સમગ્ર બનાવ પોલીસની હાજરીમાં બનતા રાજકીય તણાવ વધ્યો હતો.
આ ઘટનાના અનુસંધાનમાં આજે સવારે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાઠોડ ગામે એકત્ર થયા હતા. ત્યારબાદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ઘોડા પર સવાર થઈ સાઠોડ ગામથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. કાર્યકરોની વિશાળ હાજરી સાથે કરવામાં આવેલું આ શક્તિ પ્રદર્શન રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડભોઇ શહેર-તાલુકામાં જિલ્લા પંચાયતની 4 બેઠકો, તાલુકા પંચાયતની 20 બેઠકો અને નગરપાલિકાની 36 બેઠકો માટે કુલ 132 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ચકાસણી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલ પાલિકા માટે 80થી વધુ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત મળીને આશરે 130 જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં યથાવત્ રહ્યા છે.
રિપોર્ટર : સઈદ મનસુરી