હાઈકમાન્ડનું ‘મિશન પરફોર્મન્સ’: વોર્ડમાં હાર કે પાતળી સરસાઈ ધારાસભ્યોની રાજકીય કારકિર્દી પર લગાવી શકે છે પૂર્ણવિરામ
વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વડોદરાના રાજકીય ગલિયારાઓમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા મળતી ચોંકાવનારી માહિતી મુજબ, આ વખતની કોર્પોરેશનની ચૂંટણી માત્ર ઉમેદવારો માટે જ નહીં, પરંતુ શહેરના પ્રવર્તમાન ધારાસભ્યો માટે પણ અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા દરેક વોર્ડ અને બેઠક દીઠ જીત-હારના માર્જિન પર બાજ નજર રાખવામાં આવી રહી છે, જેની સીધી અસર આગામી વિધાનસભા ચૂંટણી પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.
પાર્ટીના આંતરિક સૂત્રોનું માનીએ તો, જે ધારાસભ્યના મતવિસ્તારમાં આવતા વોર્ડમાં ભાજપના ઉમેદવારો ઓછા મતોથી જીતશે અથવા તો જ્યાં પરાજયનો સામનો કરવો પડશે, તેવા ધારાસભ્યોનું ‘રિપોર્ટ કાર્ડ’ નબળું ગણવામાં આવશે. હાઈકમાન્ડ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે ધારાસભ્યોએ માત્ર પોતાની બેઠક પૂરતું સીમિત રહેવાને બદલે પોતાના વિસ્તારમાં આવતા તમામ વોર્ડમાં પક્ષને મજબૂત લીડ અપાવવાની રહેશે.
વડોદરામાં જે રીતે ટિકિટ વિતરણમાં નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને જૂના જોગીઓના પત્તા કાપવામાં આવ્યા છે, તેનાથી એ સ્પષ્ટ છે કે ભાજપ હવે ‘નો રિપીટ થિયરી’ અને ‘પરફોર્મન્સ’ને સૌથી વધુ મહત્વ આપી રહી છે. જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં પકડ સાબિત કરવામાં નિષ્ફળ જશે, તો આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમના પત્તા કપાય તો નવાઈ નહીં. પક્ષ આક્રમક રીતે નવા અને સક્ષમ ચહેરાઓને મેદાને ઉતારવાની વ્યૂહરચના ઘડી રહ્યો છે.
નબળા ધારાસભ્યોમાં ફફડાટ
આ માહિતી બહાર આવતા જ સ્થાનિક ધારાસભ્યોમાં છૂપો ફફડાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જે ધારાસભ્યો માત્ર સંગઠન પર નિર્ભર હતા, તેઓ હવે પોતે મેદાનમાં ઉતરીને મતદારોને રીઝવવા અને લીડ વધારવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડોદરાના રાજકારણમાં આ ચૂંટણી એક એવા વળાંક સમાન સાબિત થશે જે નક્કી કરશે કે આગામી વિધાનસભામાં કયા નેતાઓનું પત્તું સલામત રહેશે અને કોની ટર્મ પૂર્ણ થશે.