ડ્રાઇવર અને હેલ્પર બોટલમાંથી પાઇપ વડે ગેસ ટ્રાન્સફર કરતા હતા ત્યારે જ એસઓજીની રેઇડ કરી, ટેમ્પો, ગેસના સિલિન્ડર સહિતનો સામાન મળી રૂપિયા 1.31 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા તારીખ 16
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રીમય ફ્લેટ સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ગેસ બોટલોમાં ગેરકાયદેસર રીફીલીંગ કરી ગેસની ચોરી કરતા બે ઇસમોને એસ.ઓ.જી.પોલીસે રંગેહાથ પકડી પાડ્યા હતા. બે કેસ ના બોટલ સામસામે મૂકીને પાઇપ વડે ડ્રાઇવર અને હેલ્પર ગેસ ટ્રાન્સફર કરી રહ્યા હતા. એસઓજીએ ત્યારે જ રેડ કરી હતી. ટેમ્પો, સિલિન્ડર સહિત રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજેતરમાં ચાલી રહેલી ગેસની અછતના પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ગેસ બોટલની સંગ્રહખોરી અને ગેરકાયદેસર હેરાફેરી રોકવા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની સૂચના મુજબ શહેરમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
દરમિયાન એસ.ઓ.જી.ના પી.આઈ બી.ડી. જીતીયાએ અલગ અલગ બનાવીને શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે મૂકી હતી. દરમિયાન એએસઆઇ જયેન્દ્રસિંહ ભીમસિંહને બાતમી મળી કે અટલાદરા વિસ્તારમાં શ્રીમય ફ્લેટ સામે ખુલ્લા પ્લોટમાં ટેમ્પામાં ગેસ રીફીલીંગ થઈ રહયુ છે.
જેના આધારે એસઓજી ની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેઇડ કરતાં ટેમ્પાના પાછળના ભાગે બે શખ્સ ઘરેલુ ગેસ બોટલોને સામસામે રાખી પાઇપ મારફતે ગેસ ટ્રાન્સફર કરતા ઝડપાઈ ગયા હતા. તેમની પૂછપરછ કરાતા તેઓ રુદ્ર ગેસ એજન્સીના ટેમ્પા ડ્રાઇવર અને હેલ્પર હોવાનું જણાવ્યું હતું.
તેઓએ કબુલાત કરી હતી કે ગ્રાહકોને ડિલિવરી કરતાં પહેલા સીલબંધ બોટલમાંથી ગેસ કાઢી ખાલી બોટલોમાં ભરી બ્લેકમાં વેચવાના ઇરાદે ગેરકાયદેસર રીફીલીંગ કરતા હતા. આ પ્રક્રિયા રહેણાંક વિસ્તારમાં અને હાઈટેન્શન લાઇન નીચે થતી હોવાથી આગ જેવી મોટી દુર્ઘટનાનો સર્જાવાની પણ શક્યતા હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ટેમ્પો, ગેસ બોટલો, મોબાઇલ ફોન, વજનકાંટો સહિત કુલ રૂ.1,.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એસઓજીએ આરોપીઓ સહિતનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે અટલાદરા પોલીસને સુપ્રત કર્યો છે.
પકડાયેલા અને ફરાર આરોપીઓના નામ
- વિશાલ મહેન્દ્ર થોરાટ (ટેમ્પા ડ્રાઈવર)
- રાહુલ ભીમરાવ ગવરે (હેલ્પર)
ફરાર આરોપી
દીપક અમૃત સરાણીયા (ટેમ્પા માલિક)
કબજે કરાયેલો મુદ્દામાલ
ટેમ્પો (GJ-06-BZ-2286) – રૂ.1,00,000
ગેસ બોટલો (નંગ 23) – રૂ.21,137
અર્ધભરેલા ગેસ બોટલો (નંગ 3) – રૂ.4,500
મોબાઇલ ફોન (નંગ 2) – રૂ.5,500
ડિજિટલ વજનકાંટો – રૂ.500
રીફીલીંગ સાધનો
ડિલિવરી ચલણ (નંગ 23)