Vadodara

રીલ્સમાં નહીં, રિયલમાં બહાર આવો! વડોદરામાં ચૂંટણી પહેલા પોસ્ટરથી મચ્યો ખળભળાટ​​

સ્થાનિક ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા અનોખો અખતરો; વોર્ડ નંબર 10 માં ઉમેદવારોનો વિરોધ કરવા માટે યુવા પેઢીનો સહારો લેવાયો

વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ શરૂ થયેલો આંતરિક અસંતોષ હવે દીવાલો પર લાગેલા પોસ્ટરો અને બેનરો દ્વારા સપાટી પર આવી રહ્યો છે. ખાસ કરીને શહેરના વોર્ડ નંબર 10 માં ફરી એકવાર ઉમેદવારોના વિરોધમાં અનોખા બેનરો જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
​આ વખતે વિરોધ પ્રદર્શનની શૈલીમાં આધુનિકતા જોવા મળી રહી છે. શહેરમાં ઠેર-ઠેર લાગેલા બેનરોમાં નવી પેઢી એટલે કે ‘Gen Z’ ને સીધું સંબોધન કરવામાં આવ્યું છે. આ બેનરો દ્વારા યુવાનોને શીખ આપવામાં આવી છે કે તેઓ માત્ર સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ બનાવીને સંતોષ ન માને, પરંતુ વાસ્તવિક જીવનમાં બહાર આવીને ક્રાંતિકારી બને. સ્થાનિક ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા અને ઉમેદવારોની પસંદગી બાબતે મતદાતાઓને પરોક્ષ રીતે સમજાવવાનો આ એક ગંભીર પ્રયાસ હોવાનું જણાય છે.
​ઉલ્લેખનીય છે કે, સત્તાધારી પક્ષ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવતા જ વડોદરાના વિવિધ વિસ્તારોમાં વિરોધના સૂર ઉઠ્યા હતા. અગાઉ પણ અનેક વિસ્તારોમાં ઉમેદવારોના નામ સામે નારાજગી વ્યક્ત કરતા પોસ્ટરો લાગ્યા હતા, ત્યારે હવે ચૂંટણીના ટાણે વોર્ડ નંબર 10 માં આ પ્રકારની કટાક્ષમય અપીલ સાથેના બેનરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
​રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં જો આ પ્રકારનો સુષુપ્ત વિરોધ મતદાનના દિવસે પેટીમાં દેખાશે, તો ચૂંટણીના પરિણામો કોઈ પણ રાજકીય પક્ષની ધારણા કરતા તદ્દન જુદા અને ચોંકાવનારા આવી શકે છે. સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા યુવા મતદારોને જાગૃત કરવાના બહાને કરવામાં આવેલો આ વિરોધ આવનારા દિવસોમાં સ્થાનિક રાજકારણમાં કેવો પલટો લાવે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top