જાહ્નવી કપૂરને શિખર પહરીયા સાથે ઘણીવાર જોવામાં આવી છે. જોકે ધડક ગર્લ તેને ખાનગી રાખવાનું પસંદ કરે છે અને જાહેરમાં તેના વિષે વાત કરતી નથી. બંને ને ઘણીવાર સાથે લગ્નમાં હાજરી આપતા અને સાથે વેકેશન પર જતા જોવામાં આવ્યા છે. અમારી સાથેના ઈન્ટરવ્યુમાં જાહ્નવી તેની શિખર સાથેની અન્ડરસ્ટેન્ડીંગ વિષે, તેની સાથે તે કેટલું કમ્ફર્ટેબલ ફીલ કરે છે તેના વિષે, તેને સ્કૂલમાં થયેલા વિચિત્ર અનુભવ વિષે અને તેની સદગત માતા શ્રીદેવી વિષે વાત કરે છે.
તારા માટે પ્રેમ શું છે?
પ્રેમ સલામતી આપે છે. થોડું વધારે કહું તો પ્રેમ તમને લાચારીનો સામનો કરવામાં મદદ કરે છે. તે સૌથી મોટી વાત છે. શિખરની હાજરીને કારણે મને જીવનમાં હવે એટલી લાચારી લાગતી નથી. તેના કારણે મારા જીવનમાં આ ઘણું મોટું પરિવર્તન આવ્યું છે.
શિખર સાથેનો તારો સંબંધ કેવો છે?
શિખર મારા માટે એક ‘સેફ સ્પેસ’ છે અને એનો અર્થ એ કે હું શિખરની સામે એક બાળક તરીકે વર્તી શકું છું, હું તેની સાથે તોફાન મસ્તી કરી શકું છું. મને લાગે છે કે તમને સાચો પ્રેમ મળે તે સારી વાત છે. પ્રેમના કારણે તમે જે મૂળ વ્યક્તિ છો તેવા રહી શકો છો. મારા દરેક વિચારો તેની સામે વ્યક્ત કરી શકું છું, હું પોતાનો અવાજ સાંભળી શકું છું, મારી માન્યતાઓ અનુસરી શકું છું અને જ્યારે હું સંવેદનશીલ બની જાઉં છું ત્યારે તે મને જજ કર્યા વિના, મારા વિષે ખોટી માન્યતા બાંધ્યા વિના મને વ્યક્ત થવાની સ્પેસ આપે છે.

૧૫ વર્ષની ઉંમરે તને શાળામાં ખરાબ અનુભવ થયો હતો તે વિષે વાત કર.
અમારો સ્કૂલમાં IT ક્લાસ હતો અને છોકરાઓ મસ્તી માટે અમુક સાઈટ પર જતા. મારા ડિજીટલી મેનુપ્લેટ કરેલા પિક્ચર્સ તે સાઈટ પર હતા. તે વખતે હું સ્કૂલમાં હતી. તે ઘણો વિચિત્ર અનુભવ હતો.
શું આગળ જતા આવા પિક્ચર્સને કારણે તારી લાઈફ પર અસર થઇ છે?
ચોક્કસ, આવા પિક્ચર્સને કારણે આટલા વર્ષો પછી પણ મારા વિષે ઘણાને ગેરસમજ થાય છે. કાલે ઉઠીને જો હું અમુક પ્રકારના આઉટફિટ પહેરવાની કે અમુક પોઝ આપવાની ના પાડું કે જેમાં હું કમ્ફર્ટેબલ ફીલ કરતી ના હોવ તો તેઓ મને આવીને કહેશે કે તે અગાઉ તો આ પ્રકારના કપડા પહેર્યા છે અને તેવા પોઝ પણ આપ્યા છે. મારે તેમને સમજાવવું પડે છે કે મેં આવા પિક્ચર્સ ક્યારેય પડાવ્યા નથી.
શું આવી ઘટના તને માનસિક રીતે અસર કરે છે?
આવી ઘટનાઓ માનસિક ભારણ મુકે છે. AI જનરેટેડ પિક્ચર્સનો ઘણો દુરુપયોગ થાય છે અને તેને નિયંત્રણમાં રાખવા જરૂરી છે. મને લાગે છે કે પબ્લિક ફિગર હોવાની આ ભારે કીમત તમારે ચૂકવવી પડે છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી બાબતોમાં કોઈ નૈતિકતા નથી. તે મને અસ્વસ્થ કરી દે છે.
તારી માતા શ્રીદેવીનું અચાનક અવસાન થયું. તે ઘટનાની તારા પર શી અસર થઇ?
મારું મન અશાંત થઇ ગયું હતું, તેમાંથી હું નીકળવાનો પ્રયત્ન કરતી હતી. મારી માતા ગુમાવવાનો મને સૌથી મોટો આઘાત લાગ્યો હતો, એવો આઘાત કે જેનો મેં ક્યારેય સામનો કર્યો ન હતો. છતાં, તે આઘાતમાંથી નીકળવાની સફર મેં પૂરી કરી. ખાસ કરીને, જે રીતે આજે હું દુનિયા માટે જે છું અને જે રીતે તે આઘાતમાંથી બહાર નીકળી છું તે ઘણું સંઘર્ષપૂર્ણ છે. જોકે, તેમને ગુમાવવાનું દુઃખ ક્યારેય ન જઈ શકે. તેમના જેવું કોઈ નથી. તેમની રમૂજ હું મિસ કરું છું. જેમણે મને, મારી બહેનને અને મારા પિતાને તેઓ જે છે તે બનાવ્યા તે વ્યક્તિને હું મિસ કરું છું. તે દિવસે મેં મારી ફક્ત માતાને નહોતી ગુમાવી, પણ મારા પિતાને પણ ગુમાવી દીધા. મારી માતાની હયાતીમાં તેમનું જે વ્યક્તિત્વ હતું તે હંમેશ માટે જતું રહ્યું.
તારી માતા પર તું ઘણી રીતે આધારિત હતી.
હા, હું દરેક રીતે મારી માતા પર આધાર રાખતી હતી. મારે શું કરવું છે? કયા કપડા પહેરવા જોઈએ? મારે શું વિચારવું જોઈએ? શું સાચું છે ને શું ખોટું? તે બધા માટે હું તેમના પર આધાર રાખતી હતી. પછી અચાનક હું એવી દુનિયામાં આવી ગઈ જ્યાં મારે મારા નિર્ણયો જાતે જ લેવાના હતા. મેં કેટલાય ખોટા નિર્ણયો લીધા અને અમુક લોકોને મારા જીવનમાં આવવા દીધા. તેઓ મારો ફાયદો ઉઠાવી રહ્યા હતા અને હું સતત મારી માનસિક અને શારીરિક સુરક્ષાને જોખમમાં મૂકી રહી હતી.
આજે જો તારી માતા જીવિત હોય તો તેની સાથે વાત કરવાનો અનુભવ કેવો રહેશે?
મને નથી લાગતું કે તે મને ઓળખી શકશે. દુનિયા બદલાઈ ગઈ છે અને મેં ઘણા અનુભવ કરી લીધા છે. મારા પોતાના મંતવ્યો છે જે તેમના ન હતા. મને ખબર નથી કે તે અનુભવ કેવો રહેશે. પણ હા, જો તેની સથે વાત કરવાની તક મળે તો હું તેમને એટલું ચોક્કસ કહીશ કે હવે હું તેમને સમજી શકું છું. અને મને દુઃખ છે કે હું તેમને પહેલા સમજી શકતી ન હતી. તેઓ નાણાકીય કે વાસ્તવિક બાબતોને અલગ દ્રષ્ટિકોણથી જોતા હતા અને હું હજી બાળક હતી.
શું તારી માતા એ તારી સાથે તેમના કોઈ અનુભવો શેર કર્યા હતા?
તેમને ૪ વર્ષની ઉંમરથી કામ કરવાનું શરુ કરી દીધું હતું પરંતુ, તેમના સંઘર્ષની કોઈ વાત તેમણે અમને શેર કરી ના હતી. તેઓ ફક્ત સારી યાદોને જ શેર કરતા હતા. મને યાદ છે કે મારા પિતા સાથે તેમના લગ્ન થયા ત્યારે લોકો તેમને ઘર તોડવાવાળી અને બીજી અભદ્ર વાતો કહેતા. તે તેમના મન પર ઘણી અસર કરતી હતી. પરંતુ, લોકો જે હયાત હોય તેમની સાથે પ્રેમથી વર્તતા નથી અને જે ગુજરી જાય છે તેના માટે હંમેશા સારું જ બોલે છે. •