National

આંધ્રના કુર્નૂલમાં ટ્રક-બોલેરોનો ભીષણ અકસ્માત, તીર્થયાત્રાએ જતાં 8 શ્રદ્ધાળુઓનો કરૂણ અંત

દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આજે ગુરુવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો, જેમાં આઠ શ્રદ્ધાળુઓના દુઃખદ મોત થયા હતા. આ અકસ્માત કુર્નૂલ જિલ્લાના ચિલાકલાડો નજીક થયો હતો, જ્યાં એક બોલેરો કાર એક ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. અહેવાલો અનુસાર, મૃતકો કર્ણાટકના ચિક્કામગલુરુના રહેવાસી હતા અને યાત્રાએ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ અન્ય લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. અકસ્માતમાં દસથી બાર લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓ અને પોલીસની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.

નરેન્દ્ર મોદીએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ ઘટના અત્યંત દુ:ખદ છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000ની નાણાકીય સહાયની પણ જાહેરાત કરી. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી સૂચવે છે કે બોલેરો અને ટ્રક વચ્ચે સામસામે થયેલી ટક્કર કારણભૂત હોઈ શકે છે. તપાસ પૂર્ણ થયા પછી જ વધુ વિગતો સ્પષ્ટ થશે.

Most Popular

To Top