સુરત શહેરમાં ચૂંટણી માહોલ વચ્ચે હવે પોલીસની કામગીરીને લઈને રાજકીય તણાવ વધી રહ્યો છે. શહેર કોંગ્રેસે પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. આજરોજ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને હાથમાં પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરી પોલીસ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસનો આક્ષેપ છે કે તેમના ઉમેદવારોને ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એસઓજી પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. ખાસ કરીને એસ.ઓ.જીના પીઆઈ સોનારા અને ડીસીપી રાજદીપસિંહ નકુમની ભૂમિકા પર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. કોંગ્રેસે સ્પષ્ટ માંગણી કરી છે કે બંને અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.
વિરોધ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં અનેક પોલીસ અધિકારીઓની બદલી થઈ હોવા છતાં આ બંને અધિકારીઓ એક જ જગ્યાએ કેમ સ્થિર છે? તે અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસનું માનવું છે કે આ સ્થિતિ કોઈ રાજકીય આશ્રય વિના શક્ય નથી. આ ઉપરાંત કોંગ્રેસે આરોપ લગાવ્યો કે એસઓજી પોલીસ નિષ્પક્ષ રીતે નહીં પરંતુ ભાજપના હિતમાં કામ કરી રહી છે, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે.