મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ સહિત ત્રણ બિલો પર આજે સંસદમાં મતદાન થવાનું છે. સરકારે આ ત્રણ બિલો પસાર કરવા માટે ખાસ સંસદનું ખાસ સત્ર બોલાવ્યું છે. વિપક્ષના નેતાઓ આ કાયદાના સમય અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તેનાથી વિપરીત સરકારે આરોપ લગાવ્યો છે કે વિપક્ષી પક્ષો મહિલા અનામતનો વિરોધ કરી રહ્યા છે. સરકારે ત્રણ દિવસનું ખાસ સત્ર બોલાવ્યું છે. ગુરુવારે પણ લોકસભામાં આ વિષય પર ગરમાગરમ ચર્ચા થઈ હતી અને હવે આ બાબતે મતદાન થવાનું છે. દરમિયાન સરકારે મહિલા અનામત બિલ અંગે એક સૂચના પણ જારી કરી છે. કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે સરકારને બિલ પાછું ખેંચવા અને સર્વસંમતિ બનાવવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની વાત કરી છે. બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ મહિલા અનામતના નામે ચૂંટણી નકશામાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર OBC ના અધિકારો છીનવી લેવા માંગે છે.
શુક્રવારે લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, “આ મહિલા અનામત બિલ મહિલાઓને સશક્ત બનાવશે નહીં. આ એક શરમજનક કાયદો છે. મૂળ બિલ પાછું લાવો અને અમે તેને સમર્થન આપીશું. તેનો એકમાત્ર હેતુ ભારતના ચૂંટણી મતવિસ્તારના નકશામાં ફેરફાર કરવાનો છે.” તેમણે ઉમેર્યું, “આ ભારતના ઇતિહાસનું સૌથી કડવું સત્ય છે. હું આ પાછળની વાસ્તવિકતાથી સંપૂર્ણપણે વાકેફ છું. આ બિલ OBC અને દલિત સમુદાયો સામે ક્રૂરતાનું કૃત્ય છે. બધા જાણે છે કે આ પ્રણાલીમાં OBC, દલિત અને મહિલાઓનું શું થાય છે. સરકાર OBC ને તેમના અધિકારોથી વંચિત રાખવાનો ઇરાદો ધરાવે છે.”
મહિલા અનામત લાગુ કરવા માટે પૂર્વશરત- મતવિસ્તારના સીમાંકન સંબંધિત ત્રણ સુધારેલા બિલો અંગે આજે લોકસભામાં બીજા દિવસે ચર્ચા ચાલુ છે. બિલ પર મતદાન સાંજે 4:00 વાગ્યે થવાનું છે. મતદાનના બે કલાક પહેલા વડા પ્રધાને ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક સંદેશ પોસ્ટ કર્યો. તેમણે લખ્યું, “હું બધા સંસદસભ્યોને વિનંતી કરું છું કે તેઓ પોતાના ઘરોમાં માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓને ધ્યાનમાં રાખીને મતદાન કરે. તેમને સમર્થન આપવાનો આ એક મહત્વપૂર્ણ અવસર છે.” આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “અમે આ બિલ પસાર થવા દઈશું નહીં. અમે તેની વિરુદ્ધ મતદાન કરીશું.” તેવી જ રીતે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ટિપ્પણી કરી કે સરકારે સીમાંકનના આ નાટકથી દૂર રહેવું જોઈએ.