India

કેરળમાં આ વર્ષે વહેલો પડશે ચોમાસાનો વરસાદ

26 મેએ મોનસૂન એન્ટ્રીની શક્યતા; એલ નીનોને લઈને પણ ચેતવણી

દેશભરમાં ગરમીનો પ્રકોપ વધતો જાય છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે. IMDના તાજા અનુમાન મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વર્ષે સામાન્ય સમય કરતા વહેલું કેરળમાં પ્રવેશી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 26 મે આસપાસ મોનસૂન કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનના રોજ કેરળમાં પ્રવેશ કરે છે, પરંતુ આ વખતે તે અંદાજે 5થી 6 દિવસ વહેલું આવી શકે છે.

IMDએ જણાવ્યું છે કે આ અનુમાનમાં ±4 દિવસનો ફેરફાર શક્ય છે. એટલે કે ચોમાસું 22 મે થી 30 મે વચ્ચે કોઈપણ સમયે કેરળમાં એન્ટ્રી કરી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જેના કારણે મોનસૂન આગળ વધી રહ્યું છે.હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં 14 મેથી 28 મે દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા છે.

કેરળ, કર્ણાટક અને તટીય વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળી અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે.પરંતુ આ સારા સમાચાર વચ્ચે ચિંતા વધારતો મુદ્દો પણ સામે આવ્યો છે. વૈશ્વિક હવામાન સંસ્થાઓએ ‘El Niño’ને લઈને ચેતવણી આપી છે. વર્લ્ડ મેટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO) મુજબ 2026 દરમિયાન એલ નીનો અસરકારક બની શકે છે, જેના કારણે ભારતના કુલ ચોમાસા પર અસર પડી શકે છે. એલ નીનો સામાન્ય રીતે વરસાદ ઓછો થવા અને તાપમાન વધવા માટે જવાબદાર માનવામાં આવે છે.

IMDએ અગાઉ જાહેર કરેલા લાંબા ગાળાના અનુમાનમાં પણ 2026માં દેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી. જોકે દક્ષિણ ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે.હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસું વહેલું આવવું હંમેશા સારા વરસાદની ગેરંટી નથી આપતું. જો એલ નીનોની અસર મજબૂત બનશે તો જૂન બાદ વરસાદની ગતિ ધીમી પડી શકે છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે આ સ્થિતિ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે દેશની ખેતી મોટા ભાગે ચોમાસા પર આધારિત છે.

ભારત માટે ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેશના કુલ વાર્ષિક વરસાદનો મોટો ભાગ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દ્વારા મળે છે. પાણીના જથ્થા, ખેતી, વીજ ઉત્પાદન અને ગ્રામિણ અર્થતંત્ર પર તેની સીધી અસર પડે છે. કેરળમાં મોનસૂનની શરૂઆત સમગ્ર દેશ માટે વરસાદી સિઝનની સત્તાવાર શરૂઆત માનવામાં આવે છે.ગયા વર્ષે પણ ચોમાસું સામાન્ય સમય કરતા વહેલું કેરળ પહોંચ્યું હતું. 2025માં 24 મેના રોજ મોનસૂનની એન્ટ્રી થઈ હતી, જ્યારે IMDએ 27 મેની આગાહી કરી હતી. છેલ્લા 21 વર્ષના IMDના ડેટા મુજબ મોનસૂન આગાહીઓ મોટાભાગે સચોટ સાબિત થઈ છે. હાલ દેશના અનેક રાજ્યોમાં ભારે ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિ વચ્ચે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો મોનસૂન સમયસર અને સારો રહેશે તો કૃષિ ઉત્પાદન, પાણીની ઉપલબ્ધતા અને અર્થતંત્રને મોટી રાહત મળી શકે છે.

Most Popular

To Top