India

થાણેમાં ‘બ્લૂ ડ્રમ મર્ડર’થી ચકચાર

પરિણીત મહિલાએ પતિ અને ભાઈ સાથે મળીને પ્રેમીની હત્યા કરી, ગટરમાં ફેંકી લાશ

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાંથી એક દિલદહોળી નાખતી હત્યાની ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. મુંબ્રાના રહેવાસી 25 વર્ષીય અરબાઝ મકસૂદ અલી ખાનની હત્યા કરીને તેની લાશ ડ્રમમાં ભરી ગટરમાં ફેંકી દેવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે અરબાઝની પ્રેમિકા મહેજબીન શેખ અને તેના ભાઈ તારિક શેખની ધરપકડ કરી છે, જ્યારે મહેજબીનનો પતિ હસન અને તેનો એક સાથીદાર હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અરબાઝ ખાન મુંબ્રાનો રહેવાસી હતો. 3 એપ્રિલના રોજ તે પોતાના પરિવારને દાદર કામ માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે પરત ફર્યો નહોતો. પરિવારજનો દ્વારા ઘણી શોધખોળ છતાં તેનો કોઈ પત્તો ન મળતા અરબાઝના પિતાએ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.તપાસ દરમિયાન પોલીસે અરબાઝના મોબાઇલ ફોનના કોલ રેકોર્ડ અને લોકેશન ટ્રેક કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે અરબાઝનું છેલ્લું લોકેશન વસઈ વિસ્તારમાં જોવા મળ્યું હતું. આ દરમિયાન પોલીસે અરબાઝની પ્રેમિકા મહેજબીન શેખના ફોનનું લોકેશન પણ ચેક કર્યું, જે એ જ વિસ્તારમાં હોવાનું બહાર આવ્યું. આ પરથી પોલીસને મહેજબીન પર શંકા ગઈ અને તેને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવી હતી.

શરૂઆતમાં મહેજબીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કડક પૂછપરછ બાદ આખું કાવતરું બહાર આવ્યું હતું. પોલીસ અધિકારી પ્રિયા ધાંખણે મુજબ, મહેજબીને કબૂલાત કરી હતી કે તેણે પોતાના પતિ હસન, ભાઈ તારિક શેખ અને એક અન્ય સાથીદાર સાથે મળીને અરબાઝની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે. આરોપીઓએ પહેલેથી અરબાઝ પાસેથી પૈસા ઉઘરાવવાની યોજના બનાવી હતી. જ્યારે પૈસા પડાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે અરબાઝના હાથ બાંધી તેને પ્લાસ્ટિકની પાઈપ વડે માર મારવામાં આવ્યો અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને લીલા-વાદળી રંગના ડ્રમમાં ભરી મુંબ્રા વિસ્તારના ગટરમાં ફેંકી દીધો હતો, જેથી કોઈને શંકા ન જાય.

ગટરમાંથી આવતી દુર્ગંધને કારણે સ્થાનિક લોકોને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ડ્રમમાંથી અરબાઝનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બહાર આવતા સમગ્ર થાણે અને મુંબ્રા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.હાલ તો પોલીસે મહેજબીન શેખ અને તેના ભાઈ તારિક શેખની ધરપકડ કરી લીધી છે. તારિક સામે અગાઉ પણ કેટલાક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે મહેજબીનનો પતિ હસન અને તેનો સાથીદાર હાલ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે.

આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના ચર્ચિત ‘મીરઠ બ્લૂ ડ્રમ મર્ડર કેસ’ જેવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે. પોલીસે હત્યા, કાવતરું રચવું અને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top