World

પુતિન જલ્દી જ શી જિનપિંગ સાથે કરશે મહત્વપૂર્ણ મુલાકાત

અમેરિકાની રાજનીતિમાં ડોનાલ્ડ ટ્રમ્પની ફરી એન્ટ્રી અને વૈશ્વિક સ્તરે બદલાતી જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ વચ્ચે હવે રશિયા અને ચીન વધુ નજીક આવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin ટૂંક સમયમાં ચીનના પ્રવાસે જવાના છે અને તેઓ ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે તેવી માહિતી સામે આવી છે,
Putin અને jinping અત્યાર સુધીમાં 40 વાર મળી ચુક્યા છે, વૈશ્વિક રાજકીય અને આર્થિક સમીકરણો વચ્ચે આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રિપોર્ટ મુજબ, પુતિનનો આ ચીન પ્રવાસ માત્ર ઔપચારિક મુલાકાત નહીં પરંતુ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો રહેશે. અમેરિકા અને પશ્ચિમ દેશો સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયા હવે ચીન સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકી રહ્યું છે. ખાસ કરીને યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયા માટે ચીન સૌથી મોટો આર્થિક અને રાજકીય સહયોગી બનીને ઉભર્યું છે.

ચીન અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વેપાર, ઊર્જા, રક્ષા અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર ઝડપથી વધ્યો છે. બંને દેશો અમેરિકા પ્રભાવિત વૈશ્વિક વ્યવસ્થાને પડકારવા માટે એકબીજાની નજીક આવ્યા હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પની વાપસીની શક્યતાઓ વચ્ચે ચીન અને રશિયા પોતાની વ્યૂહરચના વધુ મજબૂત કરી રહ્યા છે. આ બેઠક દરમિયાન ઊર્જા કરારો, ગેસ સપ્લાય, વેપાર સંબંધો અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. રશિયા હાલમાં ચીનને મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય કરી રહ્યું છે, જ્યારે ચીન રશિયા માટે મહત્વપૂર્ણ વેપાર બજાર બની ગયું છે.

પશ્ચિમી પ્રતિબંધો બાદ બંને દેશો વચ્ચે સ્થાનિક કરન્સીમાં વેપાર વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.તો બીજી બાજુ યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા અને NATO દેશો સતત રશિયા પર દબાણ બનાવી રહ્યા છે, ત્યારે ચીને ખુલ્લેઆમ રશિયાનો વિરોધ કર્યો નથી. જોકે ચીન પોતાને તટસ્થ દર્શાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પશ્ચિમ દેશોનું માનવું છે કે બેઇજિંગ પરોક્ષ રીતે મોસ્કોને મદદ કરે છે. આવી સ્થિતિમાં પુતિન અને જિનપિંગની મુલાકાત વૈશ્વિક રાજકારણમાં નવા સંકેતો આપી શકે છે.

વિશ્વ રાજકારણના નિષ્ણાતો માને છે કે આ મુલાકાતનો સીધો અસર અમેરિકા-ચીન સંબંધો પર પણ પડી શકે છે. ટ્રમ્પ પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન ચીન સામે આક્રમક નીતિ અપનાવી ચૂક્યા છે. જો તેઓ ફરી અમેરિકન રાજકારણમાં મજબૂત બને છે તો ચીન અને રશિયા બંને માટે નવી વ્યૂહરચના બનાવવાની જરૂર ઊભી થઈ શકે છે.ચીન અને રશિયાની વધતી ભાગીદારી માત્ર રાજકીય નહીં પરંતુ સૈન્ય સ્તરે પણ મહત્વપૂર્ણ બની રહી છે. છેલ્લા કેટલાક સમયમાં બંને દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ પણ કર્યા છે. અમેરિકા અને તેના સાથી દેશો આ વધતી નજીકીઓ પર સતત નજર રાખી રહ્યા છે.

આ બેઠકને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ઉત્સુકતા છે. કારણ કે, એક તરફ અમેરિકા પોતાની વૈશ્વિક પકડ મજબૂત રાખવા પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચીન અને રશિયા મળીને એક વૈકલ્પિક વૈશ્વિક શક્તિ કેન્દ્ર ઉભું કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોવાનું માનવામાં આવે છે.આવનારા દિવસોમાં પુતિન અને જિનપિંગની મુલાકાતમાંથી શું મોટા નિર્ણયો બહાર આવે છે તેના પર આખી દુનિયાની નજર રહેશે. ખાસ કરીને યુક્રેન યુદ્ધ, વૈશ્વિક વેપાર, ઊર્જા બજાર અને અમેરિકા-ચીન સંબંધો પર તેની અસર કેવી રહેશે તે મહત્વનું બનશે.

Most Popular

To Top