Gujarat

ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી

ગુજરાતમાં 15 વર્ષ બાદ ફરી એકવાર વસતી ગણતરીનું મહાઅભિયાન શરૂ થયું છે. આજથી રાજ્યભરમાં સેલ્ફ એન્યુમેરેશન પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં નાગરિકો 31 મે સુધી પોતાના મોબાઈલ અથવા ઈન્ટરનેટ દ્વારા જાતે જ માહિતી ઓનલાઈન અપલોડ કરી શકશે. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન દરમિયાન સરકારી કર્મચારીઓ ઘેરઘેર જઈને લોકો પાસેથી માહિતી એકત્ર કરશે. આ સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થવાની છે, જ્યારે બીજા તબક્કાની કામગીરી ફેબ્રુઆરી 2027માં હાથ ધરાશે.

સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પોતે સેલ્ફ એન્યુમેરેશન કરીને લોકોને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે જનગણના માત્ર આંકડાઓ ભેગા કરવાની પ્રક્રિયા નથી, પરંતુ દેશના ભવિષ્યના વિકાસનો મજબૂત આધાર છે. સરકારની આરોગ્ય, શિક્ષણ, આવાસ અને રોજગાર જેવી અનેક યોજનાઓનો આધાર આ આંકડાઓ પર જ રહેશ

આ વખતે જનગણનામાં કેટલાક નવા સવાલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલીવાર નાગરિકોને પૂછવામાં આવશે કે તેઓ ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે કે નહીં, બોટલવાળું પાણી પીવે છે કે નહીં તેમજ તેઓ કયું અનાજ વધુ પ્રમાણમાં ખાય છે. આ માહિતીના આધારે સરકાર ભવિષ્યમાં ટેક્નોલોજી, પીવાનું પાણી અને પોષણ સંબંધિત યોજનાઓ વધુ અસરકારક બનાવી શકશે.

વસતી ગણતરી દરમિયાન ઘરના મુખ્ય સભ્યને કુલ 33 પ્રશ્નોના જવાબ આપવા પડશે. સરકારનું કહેવું છે કે નાગરિકો દ્વારા આપવામાં આવેલી દરેક માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર વિકાસલક્ષી યોજનાઓ અને આંકડાકીય અભ્યાસ માટે જ થશે. સચોટ માહિતીના આધારે જ બજેટ ફાળવણી અને નીતિ નિર્માણ વધુ મજબૂત બની શકે છે.રાજ્યભરમાં આ કામગીરી માટે અંદાજે 1.10 લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. જેમાં એક લાખથી વધુ ગણતરીદારો અને હજારો સુપરવાઇઝરોનો સમાવેશ થાય છે. તેમને તબક્કાવાર તાલીમ પણ આપવામાં આવી રહી છે જેથી પ્રક્રિયા સરળ અને ચોકસાઈભરી બને.

બીજી તરફ શિક્ષકો અને પ્રોફેસરોને આ કામગીરીમાંથી મુક્ત રાખવાની માંગ પણ ઉઠી રહી છે. શૈક્ષણિક સંગઠનોનું માનવું છે કે નવા શૈક્ષણિક સત્ર દરમિયાન શિક્ષકોને જનગણનામાં જોડવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી શકે છે. જોકે અંતિમ નિર્ણય રાજ્ય સરકાર લેશે.સરકારે લોકોની મૂંઝવણ દૂર કરવા માટે ટોલ ફ્રી નંબર 1855 પણ જાહેર કર્યો છે. ઉપરાંત લોકો સત્તાવાર વેબસાઈટ દ્વારા પણ માર્ગદર્શન મેળવી શકશે. જનગણનાનું આ અભિયાન રાજ્યના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top