ગાંધીનગર,તા.17
ગુજરાત અને દમણની દરિયાઈ સરહદ પર દારૂની હેરાફેરી અટકાવવા માટે વલસાડ કસ્ટમ વિભાગે લાલ આંખ કરી છે. અમદાવાદ કસ્ટમ કમિશનર અને એડિશનલ કમિશનરની સૂચના હેઠળ વલસાડ ડેપ્યુટી કમિશનરની ટીમે દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બોટને આંતરી તેમાંથી 18,672 દારૂની બોટલો ભરેલા 555 બોક્સ જપ્ત કર્યા છે. આ જથ્થાની અંદાજિત કિંમત 55 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

કેવી રીતે થઈ કાર્યવાહી ?
કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 16 માર્ચથી દરિયામાં દારૂની હેરાફેરી રોકવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વલસાડ કસ્ટમની સ્પીડ મોટર બોટ દ્વારા દરિયામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન દમણથી વલસાડના કોલાક દરિયાકાંઠે તરફ આવી રહેલી એક શંકાસ્પદ બોટ પર અધિકારીઓની નજર પડી હતી. કસ્ટમની ટીમે ફિલ્મી ઢબે બોટને ઇન્ટરસેપ્ટ કરી તેને રોકી હતી.
તપાસમાં મોટો ખુલાસો
બોટની તપાસ કરતા તેમાંથી દારૂના 555 બોક્સ મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે બોટમાં સવાર 8 બુટલેગરોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો દમણથી લાવવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગે આ તમામ મુદ્દામાલ સાથે બુટલેગરોને કોલાક દરિયાકાંઠે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વલસાડની પારડી પોલીસને સોંપી દીધા છે.
કેમ પસંદ કર્યો દરિયાઈ માર્ગ ?
કસ્ટમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ગ માર્ગે એટલે કે રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા દારૂ લઈ જવામાં પોલીસની કડક તપાસ અને પકડાઈ જવાનો ડર હોવાથી બુટલેગરોએ હવે દરિયાઈ માર્ગનો સહારો લીધો છે. બુટલેગરોને એવું લાગતું હતું કે દરિયાઈ માર્ગે હેરાફેરી સરળ રહેશે, પરંતુ કસ્ટમ વિભાગની સજાગતાને કારણે તેમનો આ મનસૂબો નિષ્ફળ રહ્યો છે.
કસ્ટમ વિભાગની બાજ નજર
દરિયાઈ પટ્ટી કસ્ટમ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી હોવાથી, કસ્ટમ અધિકારીઓએ દારૂ કિનારે ઉતરે તે પહેલા જ તેને મધદરિયે ઝડપી પાડીને બુટલેગરોને મોટો ફટકો આપ્યો છે.ગુજરામાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી હોવાથી વલસાડના દરિયાઈ ક્ષેત્રમાં કસ્ટમ્સ સધન પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.