Dahod

દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: બે બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ

પોલીસકર્મીના પત્નીએ ઝેરી દવા પીધી; ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઘટનાના કારણો અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ

દાહોદ, તા. 16 — દાહોદ શહેરમાં એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એ ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પત્નીએ પોતાના બે નાનાં બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

પ્રાથમિક માહિતી મુજબ મહિલાએ પોતાના 7 વર્ષ અને 3 વર્ષના બે બાળકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેરી દવા પી લીધી હતી. ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મહિલાને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલમાં તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર મામલે દાહોદ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાએ આ પ્રકારનું કડક પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી અને પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ દ્વારા પરિવારિક પરિસ્થિતિ, માનસિક તણાવ અથવા અન્ય સંભવિત કારણો સહિત વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top