દક્ષિણ અને હિન્દી ફિલ્મોમાં પોતાના મજબૂત અભિનય માટે જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર વિવાદોમાં આવી ગયા છે. આ વખતે તેમના એક જાહેર કાર્યક્રમમાં કરેલા નિવેદનને કારણે મામલો ગંભીર બની ગયો છે અને તેમની સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદની શરૂઆત એક કાર્યક્રમ દરમિયાન થઈ, જ્યાં પ્રકાશ રાજે રામાયણ અંગે વાત કરતાં તેને હાસ્યપ્રધાન અને આધુનિક અંદાજમાં રજૂ કર્યું હતું. તેમણે રામ, લક્ષ્મણ અને સીતાના વનવાસ સાથે જોડાયેલ એક કલ્પિત પ્રસંગમાં GST, નોર્થ-સાઉથ ભાષા વિવાદ અને આર્થિક મુદ્દાઓ જેવા આધુનિક તત્વો ઉમેર્યા હતા. તેમની રજૂઆતમાં કેટલાક પાત્રો વચ્ચે પૈસાની લેવડદેવડ, ડિસ્કાઉન્ટ જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે ઘણા લોકો માટે અયોગ્ય લાગ્યો.
વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ આ મુદ્દે ભારે પ્રતિક્રિયા સામે આવી. અનેક લોકોએ આરોપ લગાવ્યો કે પ્રકાશ રાજે ધાર્મિક ગ્રંથ અને પવિત્ર પાત્રોની મજાક ઉડાવી છે, જેનાથી તેમની લાગણીઓ દુભાઈ છે. પરિણામે તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રકાશ રાજે ભાષા અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દક્ષિણ ભારત પર હિન્દી લાદવાનો પ્રયાસ ન થવો જોઈએ. આ ઉપરાંત, ખાણી-પીણીની સ્વતંત્રતા અંગે બોલતા તેમણે બીફ ફેસ્ટિવલ જેવી પ્રવૃત્તિઓને પણ સમર્થન કર્યુ હતું. આ નિવેદનો પણ વિવાદને વધુ ઉગ્ર બનાવવામાં સહાયક બન્યા છે.
વિવાદ વધતા હવે સોશિયલ મીડિયા પર તેમની સામે વિરોધ વધતો જઈ રહ્યો છે. કેટલાક લોકોએ તો તેમની આગામી ફિલ્મ પ્રોજેક્ટમાંથી તેમને દૂર કરવાની માંગ પણ ઉઠાવી છે. ખાસ કરીને જાણીતા દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીની આવનારી ફિલ્મ સાથે તેમનું નામ જોડાયેલ હોવાથી, આ મુદ્દે ચર્ચા વધુ તેજ બની છે. પ્રકાશ રાજ પહેલાથી જ પોતાના ખુલ્લા અને નિર્ભય અભિપ્રાયો માટે જાણીતા છે. તેઓ રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલતા રહે છે, જેના કારણે ઘણી વખત તેઓ ચર્ચામાં રહે છે. જોકે, આ વખતે મામલો માત્ર ચર્ચા સુધી મર્યાદિત રહ્યો નથી અને કાયદાકીય વળાંક લઈ ગયો છે. થોડા સમય પહેલાં જ તેમના વ્યક્તિગત જીવનમાં પણ દુઃખદ ઘટના બની હતી, જ્યારે તેમની માતાનું નિધન થયું હતું. હાલ તેઓ ફિલ્મ ‘ડકૈત’માં નજરે પડ્યા હતા, પરંતુ આ નવા વિવાદને કારણે તેમના કરિયર પર શું અસર પડશે તે જોવાનું રહ્યું.