ભારત અને જાપાન વચ્ચે ચાલી રહેલા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને હવે નવો વિવાદ સામે આવ્યો છે. જાપાનના પૂર્વ ન્યાય મંત્રી હિદેકી માકિહારાએ ભારત પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે પ્રોજેક્ટમાં થયેલા વિલંબ માટે સૌથી મોટું કારણ ભારતીય પક્ષનું વલણ રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દાવો કર્યો કે ભારતે અનેક વખત કરેલા વાયદાઓનું પાલન કર્યું નથી અને કરારો થયા પછી પણ છેલ્લી ઘડીએ શરતોમાં ફેરફાર કર્યા હતા. તેમના આ નિવેદન બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.
હિદેકી માકિહારાએ જણાવ્યું કે તેઓ પોતે આ પ્રોજેક્ટ સાથે નજીકથી જોડાયેલા રહ્યા હતા અને જાપાનની ટીમે સંપૂર્ણ નિષ્ઠા અને મહેનતથી કામ કર્યું હતું. તેમ છતાં અપેક્ષા મુજબ પ્રગતિ થઈ નહીં. તેમના મતે, જાપાને ટેક્નોલોજી, નાણાકીય સહાય અને તકનીકી સહયોગ પૂરો પાડવા માટે સતત પ્રયાસ કર્યા, પરંતુ ભારતીય પક્ષે વારંવાર પોતાની શરતોમાં ફેરફાર કરતા પ્રોજેક્ટને અસર પહોંચી. માકિહારાના જણાવ્યા અનુસાર, ભારતે અનેક વખત કરેલા કરારોમાંથી પાછું હટવાનું વલણ અપનાવ્યું. તેમણે દાવો કર્યો કે અંતિમ તબક્કા સુધી શરતો બદલાતી રહી, જેના કારણે સમયસર નિર્ણયો થઈ શક્યા નહીં અને આખો પ્રોજેક્ટ ધીમો પડી ગયો. તેમણે તો અહીં સુધી કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ ન વધી શકવાની સંપૂર્ણ જવાબદારી ભારતીય પક્ષની છે.
તેમણે પોતાની પોસ્ટ સાથે જાપાનના અગ્રણી મીડિયા પ્લેટફોર્મ ટોયો કેઇઝાઇ ઓનલાઈનનો એક અહેવાલ પણ શેર કર્યો હતો. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બુલેટ ટ્રેન માટેની સૌથી મહત્વપૂર્ણ સલામતી વ્યવસ્થા એટલે કે સિગ્નલિંગ સિસ્ટમમાં જાપાનને અપેક્ષા મુજબ સામેલ કરવામાં આવ્યું નથી. જોકે, આ દાવા અંગે ભારત સરકાર અથવા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. માકિહારાએ પોતાની પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો કે તાજેતરમાં જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીની ભારત મુલાકાત દરમિયાન પણ આ મુદ્દે કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી. જાપાનના વડાપ્રધાન 1થી 3 જુલાઈ દરમિયાન ભારત આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ભારત અને જાપાન વચ્ચે રોકાણ, મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ અને સપ્લાય ચેઇન જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે કુલ 129 કરારોની જાહેરાત કરવામાં આવી હતી. છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે કોઈ નોંધપાત્ર જાહેરાત થઈ નહોતી.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશની પ્રથમ હાઈ-સ્પીડ રેલ સેવા છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તે સમયના જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ અમદાવાદમાં કર્યું હતું. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી અને આધુનિક બનાવવાનો છે. બુલેટ ટ્રેન શરૂ થયા પછી બંને શહેરો વચ્ચેનું લગભગ 508 કિલોમીટરનું અંતર માત્ર ત્રણ કલાકમાં પૂર્ણ કરી શકાશે. હાલમાં આ જ મુસાફરી સામાન્ય ટ્રેન દ્વારા પૂર્ણ કરવામાં લગભગ સાતથી આઠ કલાકનો સમય લાગે છે. આ પ્રોજેક્ટ હેઠળ મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સહિત કુલ 12 સ્ટેશન બનાવવાની યોજના છે. મુંબઈનું સ્ટેશન સંપૂર્ણપણે ભૂગર્ભ હશે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે 2 લાખ કરોડ રૂપિયા છે. તેમાં જાપાન લગભગ 88 હજાર કરોડ રૂપિયાનું નાણાકીય સહયોગ આપી રહ્યું છે. આ સહાય જાપાનની સરકારી એજન્સી JICA દ્વારા ખૂબ જ ઓછી વ્યાજદરે આપવામાં આવી રહી છે. આ લોન પર માત્ર 0.1 ટકા વાર્ષિક વ્યાજ વસૂલવામાં આવશે. લોન ચૂકવવા માટે ભારતને 50 વર્ષનો સમય મળશે અને પ્રથમ 15 વર્ષ સુધી કોઈ હપ્તો ભરવાનો રહેશે નહીં. અત્યાર સુધી જાપાને લગભગ 1,150 અબજ યેન, એટલે કે અંદાજે 55 હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
નાણાકીય સહાય ઉપરાંત જાપાન પોતાની વિશ્વપ્રસિદ્ધ શિંકનસેન બુલેટ ટ્રેન ટેક્નોલોજી, એન્જિનિયરિંગ નિષ્ણાતો અને તાલીમની પણ મદદ ભારતને આપી રહ્યું છે. આ ટેક્નોલોજી દુનિયાની સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય હાઈ-સ્પીડ રેલ સિસ્ટમમાંની એક માનવામાં આવે છે. પ્રોજેક્ટના રૂટની વાત કરીએ તો કુલ 508 કિલોમીટર પૈકી લગભગ 351 કિલોમીટર ગુજરાત અને 157 કિલોમીટર મહારાષ્ટ્રમાંથી પસાર થશે. તેમાં લગભગ 468 કિલોમીટરનો ટ્રેક એલિવેટેડ રહેશે. મુંબઈમાં લગભગ 7 કિલોમીટરનો માર્ગ સમુદ્રની અંદર બનાવવામાં આવશે, જ્યારે લગભગ 25 કિલોમીટર લાંબી ટનલ પણ તૈયાર થશે. આ ઉપરાંત ટ્રેનનો રૂટ 70 હાઈવે, 21 નદીઓ, 173 મોટા અને 201 નાના બ્રિજ પરથી પસાર થશે.
પ્રારંભિક તબક્કામાં 10 કોચ ધરાવતી 35 બુલેટ ટ્રેનો દોડાવવાની યોજના છે. દરેક ટ્રેનમાં લગભગ 750 મુસાફરો મુસાફરી કરી શકશે. ભવિષ્યમાં 16 કોચવાળી ટ્રેનો શરૂ કરીને મુસાફરોની ક્ષમતા 1,200 સુધી વધારવામાં આવશે. વર્ષ 2050 સુધીમાં ટ્રેનોની સંખ્યા વધારીને 105 કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. જાપાનના પૂર્વ મંત્રીના આ નિવેદનથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ મામલે ભારત સરકાર અથવા પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કોઈ સત્તાવાર સંસ્થાએ હજુ સુધી કોઈ પ્રતિસાદ આપ્યો નથી. હવે સૌની નજર સરકારના સત્તાવાર જવાબ અને પ્રોજેક્ટની આગામી પ્રગતિ પર રહેશે.