Technology

AI બનશે NEET સ્ટુડન્ટ્સનો માર્ગદર્શક, ગૂગલની નવી સુવિધા લોન્ચ

મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. હવે NEET UG જેવી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વધુ સરળ બનવાની છે. ટેક જાયન્ટ ગૂગલે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ‘Gemini’ પર NEET UG માટે ફૂલ-લેન્થ પ્રેક્ટિસ ટેસ્ટ શરૂ કર્યો છે, જે વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે ફ્રીમાં ઉપલબ્ધ રહેશે. આ નવી સુવિધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પરીક્ષા જેવી જ વાસ્તવિક અનુભૂતિ આપવાનો છે, જેથી તેઓ પોતાની તૈયારીનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે. સામાન્ય રીતે કોચિંગ ક્લાસિસમાં મોંઘી ફી ચૂકવીને જ આવા ટેસ્ટ મળે છે, પરંતુ હવે ગૂગલની આ પહેલથી દરેક વિદ્યાર્થીને સમાન તક મળશે.

આ પ્રેક્ટિસ ટેસ્ટમાં સમાવિષ્ટ પ્રશ્નો વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત શિક્ષણ પ્લેટફોર્મ પરથી લેવામાં આવ્યા છે. વધુમાં, નિષ્ણાતો દ્વારા આ પ્રશ્નોની ચકાસણી કરવામાં આવી છે, જેથી કન્ટેન્ટની ગુણવત્તા જળવાઈ રહે. હાલમાં આ ટેસ્ટ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે અને ગૂગલ એકાઉન્ટ ધરાવતા કોઈપણ વિદ્યાર્થી તેનો લાભ લઈ શકે છે. ટેસ્ટ આપવા માટેની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. વિદ્યાર્થીએ માત્ર Gemini એપ અથવા પ્લેટફોર્મ પર જઈને ‘Take a NEET mock test’ લખવું કે બોલવું પડે છે, ત્યારબાદ ટેસ્ટ તરત જ શરૂ થઈ જાય છે. પરીક્ષા પૂર્ણ થયા પછી, AI તરત જ પરિણામ જાહેર કરે છે અને સાથે સાથે વિગતવાર એનાલિસિસ પણ આપે છે. આ એનાલિસિસમાં વિદ્યાર્થીની શક્તિઓ, નબળાઈઓ અને કયા વિષયમાં વધુ મહેનત કરવાની જરૂર છે તેની સ્પષ્ટ માહિતી મળે છે.

આ પ્લેટફોર્મની ખાસ વાત એ છે કે તે માત્ર ટેસ્ટ પૂરતું મર્યાદિત નથી. વિદ્યાર્થીઓ કોઈપણ પ્રશ્નના જવાબની વિગતવાર સમજણ પણ મેળવી શકે છે. એટલું જ નહીં, Gemini વિદ્યાર્થીના પરફોર્મન્સના આધારે પર્સનલાઇઝ્ડ સ્ટડી પ્લાન પણ તૈયાર કરે છે. આથી વિદ્યાર્થીઓ વધુ સ્માર્ટ રીતે અભ્યાસ કરી શકે છે અને સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે છે. ગૂગલે શિક્ષકો માટે પણ કેટલાક ઉપયોગી AI ટૂલ્સ રજૂ કર્યા છે. શિક્ષકો હવે સરળતાથી એસાઇનમેન્ટ તૈયાર કરી શકે છે, વિદ્યાર્થીઓના પ્રદર્શનનો સારાંશ મેળવી શકે છે અને ડિજિટલ માધ્યમ દ્વારા વધુ અસરકારક રીતે શિક્ષણ આપી શકે છે. ઓડિયો, વીડિયો અને સ્ક્રીન રેકોર્ડિંગ જેવી સુવિધાઓ ડિજિટલ ક્લાસરૂમને વધુ ઇન્ટરેક્ટિવ બનાવે છે.

ગૂગલ પહેલાથી જ JEE Main માટે આવી સુવિધા શરૂ કરી ચૂક્યું છે, અને હવે NEET UG માટે આ પહેલ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. સાથે જ, કંપનીએ AIના જવાબદાર અને પારદર્શક ઉપયોગ માટે પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. આ નવી પહેલથી મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી વધુ સુલભ, સસ્તી અને અસરકારક બનવાની શક્યતા છે.

Most Popular

To Top