ગાંધીનગર,તા.17
આજે મધ્યાહ્નના સમયે ગાંધીનગરના આકાશમાં એક વિરલ અને મનમોહક દ્રશ્ય જોવા મળ્યું હતું. સૂર્યની આસપાસ એક વિશાળ અને સ્પષ્ટ ગોળાકાર વલય (Halo) સર્જાતા નાગરિકોમાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળ્યું હતું. વિજ્ઞાનની દ્રષ્ટિએ આ એક વાતાવરણીય ઘટના હોઈ શકે છે, પરંતુ પ્રાચીન ગ્રંથો અને જ્યોતિષશાસ્ત્રના આધારે આ ઘટનાને લઈને લોકમુખે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. સૂર્ય ફરતે આ પરિવેષ લગભગ પાંચ કલાક કરતાં વધુ સમય માટે ગાંધીનગરના આકાશમાં જોવા મળ્યુ હતું.

ગાંધીનગરના આકાશમાં આજે સવારથી બપોરના સવા બાર સુધી સૂર્યની આસપાસ એક અદભૂત અને મનોહર પરિવેશ (વર્તુળ) જોવા મળ્યુ હતું, જેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં સૂર્ય કે ચંદ્રની આસપાસ આવા કુંડાળા દેખાતા હોય છે, પરંતુ કાળઝાળ ગરમી કે શીત ઋતુમાં આવું દૃશ્ય સર્જાવવું અત્યંત વિરલ અને આશ્ચર્યજનક ખગોળીય ઘટના માનવામાં આવે છે. આ ગોલ્ડન અથવા સોનેરી રંગનો પરિવેશ આશરે પાંચ કલાક સુધી આકાશમાં અકબંધ રહ્યો હતો, જે જોતા જાણે સૂર્યએ સોનાનું કંકણ ધારણ કર્યું હોય તેવું મનોહર દૃશ્ય સર્જાયું હતું. ઉનાળાના મધ્યમાં જોવા મળેલા આ અસામાન્ય અવકાશી નજારાને કારણે લોકોમાં કુતૂહલ જાગ્યું હતું અને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના તર્ક-વિતર્ક પણ શરૂ થયા હતા. આખરે પાંચેક કલાકના લાંબા સમય બાદ આ સોનેરી વર્તુળ ધીમે-ધીમે વિખેરાઈ ગયું હતું, પરંતુ તેની સુંદરતા લોકોના માનસપટ પર અંકિત થઈ ગઈ હતી.
ગાંધીનગરમાં દેખાયેલા આ અદભૂત સૂર્ય પરિવેષને પગલે સોશિયલ મીડિયામાં ગરમ ચર્ચાઓ થવા લાગી હતી. લોકો આ અસાધારણ ઘટનાને પોતપોતાની રીતે જોઈ રહ્યા છે; જેમાં કેટલાક લોકો આ દૃશ્યને ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને અશાંતિ સાથે જોડીને તેને કોઈ અશુભ સંકેત માની રહ્યા છે, તો બીજી તરફ અનેક લોકો આને પ્રકૃતિના સંકેત તરીકે જોઈ આગામી વર્ષાઋતુના આગમન અથવા વરસાદના વરતારા સાથે જોડી રહ્યા છે. ઉનાળામાં દેખાયેલા આ સોનેરી કુંડાળાને કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આવા વિવિધ તર્ક-વિતર્ક અને અટકળો વાળા મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેણે સામાન્ય નાગરિકોમાં કુતૂહલ અને આશ્ચર્ય બંને જગાવ્યા છે.
શું કહે છે પ્રાચીન ગ્રંથો ?
શ્રી મનમહામહોપાધ્યાય શ્રી મેઘવિજય ગણી વિરચિત ‘વર્ષા પ્રબોધ’ અને ‘અષ્ટાંગ નિમિત્ત’ જેવા પવિત્ર ગ્રંથોમાં સૂર્ય અને ચંદ્રની આસપાસ સર્જાતા આવા ‘પરી વેષ’ (વલય) વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ માહિતી મુજબ, સૂર્ય ફરતે વલય સર્જાવું એ આવનારા સમયના સંકેતો આપે છે.
ઋતુ પ્રમાણે બદલાતા સંકેતો
સામાન્ય રીતે વર્ષાઋતુ દરમિયાન સૂર્ય કે ચંદ્રની આસપાસ ગોળાકાર મંડળ દેખાય તો તેને શુભ માનવામાં આવે છે, જે સારા વરસાદની નિશાની ગણાય છે. જોકે, હાલ ચાલી રહેલી ગ્રીષ્મ ઋતુ (ઉનાળા) માં આવો પરિવેષ સર્જાય તેને જ્યોતિષીય દ્રષ્ટિએ બહુ સાનુકૂળ માનવામાં આવતો નથી. ઉનાળામાં સૂર્યમંડળ દેખાવું એ પ્રકૃતિમાં આવનારા અણધાર્યા ફેરફારો તરફ ઈશારો કરે છે.
વર્ણ અને પ્રભાવ
ગ્રંથોના આધારે કરવામાં આવેલા અર્થઘટન મુજબ,
- જો સૂર્યની આસપાસનો પરિવેષ પીળા અથવા સોનેરી વર્ણનો હોય, તો તે આવનારા સમયમાં શાસક (રાજા) અને જનતા (પ્રજા) બંને માટે કષ્ટદાયક સાબિત થઈ શકે છે.
- આવા સંકેતો ઠીક નથી અથવા તો કષ્ટદાયક છે તેવું નિમિત્ત શાસ્ત્રના જાણકારોનું માનવું છે.
ગાંધીનગરના આકાશમાં દેખાયેલા આ દ્રશ્યને અનેક લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. જ્યોતિષીય માન્યતાઓ વચ્ચે વૈજ્ઞાનિકો આને ઊંચાઈ પર રહેલા બરફના સ્ફટિકો દ્વારા થતું પ્રકાશનું પરાવર્તન ગણાવી રહ્યા છે. કારણ ગમે તે હોય, પણ આ સોનેરી વલયે આજે સમગ્ર પાટનગરમાં કુતૂહલ અને ચર્ચા જગાવી છે.