National

તેલંગાણામાં અરજી કેમ? આસામ કેમ ન ગયા? સુપ્રીમ કોર્ટના પવન ખેરાને તીખા સવાલો

કોંગ્રેસના નેતા પવન ખેરાના આગોતરા જામીન અરજી મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને તેમને તાત્કાલિક કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આ કેસ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની વિરુદ્ધ કરાયેલા આરોપોને લગતો છે, જેના આધારે ખેરા સામે FIR નોંધાઈ છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ જે.કે. મહેશ્વરી અને અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ખેરાએ તેલંગાણા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આગોતરા જામીન પર રોક લગાવવાના આદેશને પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટ પાસે રાહતની માગ કરી હતી. પરંતુ સુનાવણી દરમિયાન કોર્ટે ખેરાની અરજીમાં દર્શાવાયેલા તથ્યો અને દસ્તાવેજો અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે ખાસ કરીને આ મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જ્યારે કેસ આસામમાં નોંધાયેલો છે, ત્યારે ખેરાએ જામીન માટે તેલંગાણા હાઇકોર્ટનો દરવાજો જ કેમ ખખડાવ્યો. બેન્ચે સીધો પ્રશ્ન કર્યો કે, ‘તમે તેલંગાણામાં અરજી કેમ કરી અને આસામ કેમ ન ગયા?’ આ સાથે જ દસ્તાવેજોમાં દર્શાવાયેલા સરનામા અંગે પણ કોર્ટે શંકા વ્યક્ત કરી અને કહ્યું કે તમે રજૂ કરેલી માહિતી ગેરમાર્ગે દોરતી હોઈ એવું લાગી રહ્યું છે.

ખેરાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી કે કેટલીક ભૂલો ઉતાવળમાં દસ્તાવેજ દાખલ કરતી વખતે થઈ હતી અને બાદમાં યોગ્ય દસ્તાવેજો દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ખેરાએ માત્ર આસામ જવા માટે ટ્રાન્ઝિટ જામીન માગ્યા હતા અને તેલંગાણા અરજી એક તાત્કાલિક પગલું હતું. સિંઘવીએ કોર્ટને વિનંતી કરી કે ખેરાને ઓછામાં ઓછું મંગળવાર સુધી ટ્રાન્ઝિટ જામીન આપવામાં આવે જેથી તેઓ આસામ જઈને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી શકે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલોને સરળતાથી સ્વીકારી નહીં. કોર્ટે નોંધ્યું કે જો દસ્તાવેજોમાં ગડબડ કે ખોટી માહિતી આપવામાં આવી હોય, તો તેને નાની ભૂલ તરીકે ગણાવી શકાય નહીં. બેન્ચે સ્પષ્ટ કહ્યું કે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી અને આવા વર્તનને ગંભીરતાથી જોવામાં આવશે. આ કેસ હવે માત્ર જામીનનો મુદ્દો નથી રહ્યો, પરંતુ દસ્તાવેજોની સચ્ચાઈ અને કાનૂની પ્રક્રિયાની પારદર્શિતા અંગે પણ પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના કડક અવલોકનોથી સ્પષ્ટ થાય છે કે આગળની સુનાવણીમાં ખેરાને વધુ કાનૂની પડકારોનો સામનો કરવો પડી શકે છે.

Most Popular

To Top