India

પેન્ડિંગ કેસો ઘટાડવા સુપ્રીમ કોર્ટમાં હવે 38 જજ: 4 નવા ન્યાયાધીશોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી

દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષોથી વધી રહેલા પેન્ડિંગ કેસો અને ન્યાયિક પ્રક્રિયામાં થતા વિલંબને ધ્યાનમાં રાખીને હવે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ સરકારે સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને મંજૂરી આપી છે. આ સાથે હવે સુપ્રીમ કોર્ટમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા વધીને 38 થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વટહુકમ, 2026ને અમલમાં મૂક્યો છે. આ સુધારા હેઠળ મુખ્ય ન્યાયાધીશ સિવાયના જજોની સંખ્યા 33થી વધારીને 37 કરવામાં આવી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને સાથે ગણીએ તો હવે સુપ્રીમ કોર્ટમાં કુલ 38 ન્યાયાધીશો રહેશે. આ નિર્ણયને ન્યાયિક વ્યવસ્થામાં એક ઐતિહાસિક અને મોટા સુધારા તરીકે જોવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ નવા સુધારા વટહુકમને મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યું કે વર્ષ 1956ના મૂળ કાયદામાં ફેરફાર કરીને સુપ્રીમ કોર્ટની ક્ષમતા વધારવામાં આવી છે જેથી કેસોની ઝડપથી સુનાવણી થઈ શકે. દેશમાં હાલ લાખો કેસ વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે. માત્ર સુપ્રીમ કોર્ટમાં જ હજારો કેસ વર્ષોથી સુનાવણીની રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર મહત્વના કેસોમાં લાંબા સમય સુધી નિર્ણય ન આવતા સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને અદાલતો પર વધતા કામના બોજને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી જજોની સંખ્યા વધારવાની માંગ ઉઠી રહી હતી. હવે સરકારે આ દિશામાં મોટું પગલું ભર્યું છે. ન્યાયવિદો અને કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે જજોની સંખ્યા વધવાથી સુપ્રીમ કોર્ટમાં કેસોની સુનાવણી વધુ ઝડપથી થઈ શકશે. અલગ અલગ બંધારણીય, ફોજદારી, નાગરિક અને જાહેર હિતના કેસો માટે વધુ બેન્ચો બનાવી શકાશે. પરિણામે કેસોના નિકાલની ગતિમાં વધારો થશે અને સામાન્ય લોકોને સમયસર ન્યાય મળવાની શક્યતા પણ વધશે.

આ નિર્ણયનો એક મહત્વનો પાસો એ પણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સુપ્રીમ કોર્ટ પર કામનો ભાર સતત વધી રહ્યો હતો. અનેક વખત એવું બનતું હતું કે મહત્વના કેસોની સુનાવણી માટે લાંબી રાહ જોવી પડતી હતી. ખાસ કરીને બંધારણીય મુદ્દાઓ અને રાજકીય રીતે સંવેદનશીલ કેસોમાં સમયસર સુનાવણી જરૂરી બને છે. હવે વધારાના જજોની નિમણૂકથી આવી પરિસ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે ન્યાયિક વ્યવસ્થામાં સુધારા માટે માત્ર ટેક્નોલોજી પૂરતી નથી, પરંતુ માનવ સંસાધન વધારવું પણ એટલું જ જરૂરી છે. આ કારણે જ અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવા અને ન્યાયિક માળખાને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ નિર્ણયને દેશના ન્યાયિક ઇતિહાસમાં એક મોટા સુધારા તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે નજર એ વાત પર રહેશે કે નવા જજોની નિમણૂક બાદ સુપ્રીમ કોર્ટમાં કેસોના નિકાલની ગતિ કેટલી વધે છે અને સામાન્ય નાગરિકોને તેનો કેટલો ફાયદો મળે છે.

Most Popular

To Top