સોશિયલ મીડિયામાં વાયરલ દસ્તાવેજો બાદ વિવાદ ગરમાયો
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી વચ્ચે વોર્ડ નં. 29ના ભાજપના મહિલા ઉમેદવાર સુધા પાંડેની શૈક્ષણિક લાયકાતને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ઉમેદવારી ફોર્મમાં દર્શાવેલી ડિગ્રીની વિગતો સામે પ્રશ્નો ઉઠતા મામલો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે અને વિરોધ પક્ષે પણ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવ્યો છે.

માહિતી મુજબ સુધા પાંડે દ્વારા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલી શૈક્ષણિક વિગતોમાં તેઓએ એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દસ્તાવેજોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમણે બી.એ.ની ડિગ્રી મેળવ્યા પહેલાં જ એમ.એ.ની ડિગ્રી મેળવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
વાયરલ થયેલા દસ્તાવેજો મુજબ સુધા પાંડે દ્વારા વર્ષ 1980માં મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1988માં રાણી દુર્ગાવતી યુનિવર્સિટી, જબલપુરમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જોકે તે પહેલાં જ એમ.એ.ની ડિગ્રી મેળવી હોવાનું જણાવાતા પ્રશ્નો ઊભા થયા છે.
આ વિવાદને લઈને વિરોધ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. તેઓએ ઉમેદવારી ફોર્મમાં આપવામાં આવેલી માહિતીની તપાસ કરવાની માંગણી કરી છે. બીજી તરફ, સુધા પાંડે દ્વારા આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે એફિડેવિટમાં વર્ષ અંગે ટાઈપિંગની ભૂલ થઈ હતી અને તેના કારણે ગેરસમજ ઉભી થઈ છે. તેમણે આ ભૂલને માન્યતા આપતા જણાવ્યું કે જરૂરી દસ્તાવેજો રજૂ કરીને સત્યતા સાબિત કરવામાં આવશે.
ચૂંટણી દરમિયાન આ પ્રકારનો વિવાદ ઉભો થતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે. સ્થાનિક સ્તરે પણ આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. હવે ચૂંટણી પંચ અથવા સંબંધિત અધિકારીઓ દ્વારા આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું છે.