પીઆઈ વતી લાંચની રકમ રૂ.2 લાખ સ્વીકારતા વચેટીયો રંગેહાથ ઝડપાયો, પીઆઈ ફરાર
વડોદરા તા.16
વડોદરા ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોએ અક્ષર ચોક ખાતે ટ્રેપ ગોઠવી પાદરા પોલીસ સ્ટેશનના પી.આઈ વતી રૂ.2 લાખની લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ચારણે એક ઝઘડાના કેસમાં “લવ જેહાદ”નો ગુનો બતાવી આગળની કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે રૂ.6 લાખની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી આટલી મોટી રકમ આપવા માટે સક્ષમ ન હોવાથી અંતે રૂ.2 લાખમાં સોદો નક્કી થયો હતો. આ રકમ ખાનગી વ્યક્તિ સાજીદઅલી ગુલામરસુલ સૈયદ મારફતે લેવાઈ રહી હતી.
ફરીયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી.
તા. 16 એપ્રિલ 2026ના રોજ બપોરે આશરે 3:50 વાગ્યે અક્ષર ચોક ખાતે રજવાડી ટી-સ્ટોલ સામે આરોપી સાજીદઅલી સૈયદે ફરીયાદી પાસેથી રૂ.2 લાખની લાંચ સ્વીકારી હતી. તે સમયે એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી છે.
પ્રાથમિક તપાસ મુજબ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ચારણ ના કહેવા મુજબ લાંચની માંગણી કરી હતી અને વારંવાર ફોન કરીને રકમ આપવા દબાણ કરતો હતો. હાલ પોલીસ ઇન્સ્પેક્ટર સ્થળ પર હાજર મળ્યા નથી અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર ટ્રેપ કામગીરી એ.એન. પ્રજાપતિ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પર મદદનીશ નિયામક બી.એસ. પટેલ તથા નાયબ નિયામક બળદેવ દેસાઈ (IPS) દ્વારા સુપરવિઝન રાખવામાં આવ્યું હતું.એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.