ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ની નાસિક ઓફિસ સામે ગંભીર આરોપો સામે આવ્યા છે. એક ભૂતપૂર્વ કર્મચારી દ્વારા કરાયેલા દાવા મુજબ, ઓફિસમાં કેટલાક ટીમ લીડર્સ દ્વારા મહિલા કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન અને દબાણ કરવામાં આવતું હતું. ભૂતપૂર્વ કર્મચારીએ જણાવ્યું કે ટીમ લીડર્સ પોતાના ડેસ્કનો ઉપયોગ ઓફિશિયલ કામ માટે નહીં, પરંતુ મહિલા સાથીદારોને બોલાવીને અશ્લીલ ભાષા અને માનસિક દબાણ કરવા માટે કરતા હતા. તેમણે કહ્યું કે આ પ્રકારની ભાષા અને વર્તન કોઈપણ પ્રોફેશનલ ઓફિસમાં સ્વીકાર્ય નથી. મુખ્ય આરોપી તરીકે તૌસિફ અત્તારનું નામ સામે આવ્યું છે. તેના પર આરોપ છે કે તે હિંદુ ધર્મની પરંપરાઓ અને તહેવારોની મજાક ઉડાવતો હતો. મહિલા કર્મચારીઓએ જણાવ્યું કે સાડી અથવા બિંદી પહેરતી વખતે તેમના પોશાક અને ધર્મ અંગે ટિપ્પણીઓ કરવામાં આવતી હતી.
એક અન્ય દાવા મુજબ, ઓફિસમાં કામ કરતા કેટલાક કર્મચારીઓએ ધર્મ પરિવર્તન કર્યુ હોવાનું પણ કહેવાય છે. સાથે જ, નિદા ખાન નામની કર્મચારી પર પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના આરોપ છે. સુરક્ષાના નામે કર્મચારીઓ પાસેથી ફોન, બેગ અને અન્ય વ્યક્તિગત વસ્તુઓ બહાર જ રાખવામાં આવતી હતી જેથી અંદર શું ચાલે છે તે ઓફ ધ રેકોર્ડ રહે એવો પણ આરોપ છે. આ સિવાય, કેટલાક કર્મચારીઓ પર આરોપ છે કે તેઓ સપ્તાહના અંતે હોટલ અથવા રિસોર્ટ બુક કરીને મહિલા કર્મચારીઓને ત્યાં આવવા માટે દબાણ કરતા હતા. સમગ્ર વાતાવરણને પ્રદૂષિત ગણાવતા ભૂતપૂર્વ કર્મચારીએ જણાવ્યું કે કંપની છોડ્યા બાદ તેઓ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે.
આ મામલો હાલમાં વધુ ગંભીર બન્યો છે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કપટપૂર્ણ ધર્મ પરિવર્તન સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. નાસિક પોલીસ આ કેસમાં અત્યાર સુધી નવ ફરિયાદોની તપાસ કરી રહી છે, જે ફેબ્રુઆરી 2022થી માર્ચ 2026 વચ્ચેના સમયગાળાની છે. આ ફરિયાદો આઠ મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. પોલીસે ખાસ તપાસ ટીમ (SIT) બનાવી છે અને અત્યાર સુધી સાત કર્મચારીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેમાં દાનિશ શેખ, તૌસિફ અત્તાર, રઝા મેમણ, શાહરુખ કુરેશી, શફી શેખ, આસિફ અંસારી અને એચઆર મેનેજર નિદા ખાનનો સમાવેશ થાય છે. ટીસીએસે કાર્યવાહી તરીકે તમામ આરોપીઓને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ, એક મહિલા કર્મચારી હાલ ગુમ હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે કેસ વધુ સંવેદનશીલ બની ગયો છે.