ગાંધીનગર,તા.17
ગુજરાત સરકારે રાજ્યને નશામુક્ત બનાવવા માટે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. આ કડક વલણના ભાગરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક્સના ગુનાઓમાં સંડોવાયેલા વધુ પાંચ કુખ્યાત આરોપીઓની PIT NDPS (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act) હેઠળ અટકાયત કરીને તેમને રાજ્યની વિવિધ જેલોમાં ધકેલી દીધા છે.
કોની સામે થઈ કાર્યવાહી ?
ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવના આદેશથી એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નીચે મુજબના રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે.
બાબુભાઈ નીનામા (49) – વાંકાટીંબા, અરવલ્લી
ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (28) – પાલનપુર, બનાસકાંઠા
મનોજગીરી ગોસ્વામી (45) – વાંસદા, નવસારી
વહીદ પંજા (50) – જુનાગઢ
ઇમરાન બેલીમ (32) – રાજકોટ
ઉલ્લેખનીય છે કે આ પાંચેય આરોપીઓ અગાઉ NDPS એક્ટ હેઠળ પકડાયા હતા અને હાલ જામીન પર બહાર રહીને ફરીથી નશીલા પદાર્થોના કાળા કારોબારમાં સક્રિય થાય તેવી આશંકા હતી.
શું છે PIT NDPS એક્ટ ?
જેમ અસામાજિક તત્વોને ડામવા માટે PASAનો ઉપયોગ થાય છે, તેમ ડ્રગ્સ પેડલરો અને માફિયાઓ વિરુદ્ધ PIT NDPS હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદા હેઠળ આરોપીને ‘પ્રિવેન્ટિવ ડિટન્શન’ (પૂર્વગામી અટકાયત) હેઠળ જેલમાં મોકલવામાં આવે છે, જેથી તેઓ જેલની બહાર નીકળીને ફરીથી ડ્રગ્સનું વેચાણ, સંગ્રહ કે પરિવહન ન કરી શકે.
ડ્રગ્સ વિરોધી ગુજરાત પોલીસનું અભિયાન
રાજ્યમાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડવા માટે ગુજરાત પોલીસ દ્વારા અત્યંત સઘન અને આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કડક કાર્યવાહીના પરિણામો આંકડામાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. વર્ષ 2025 દરમિયાન રાજ્યભરમાંથી કુલ 86 જેટલા રીઢા આરોપીઓને PIT NDPS અધિનિયમ હેઠળ અટકાયત કરીને વિવિધ જેલોમાં સુરક્ષિત રીતે ધકેલી દેવામાં આવ્યા હતા. આ અભિયાનની ગતિ ચાલુ વર્ષે પણ યથાવત રહી છે, જેમાં વર્ષ 2026ના શરૂઆતના માત્ર ચાર મહિનામાં જ વધુ 21 વ્યક્તિઓને આ કડક કાયદા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે. આમ, પોલીસની આ સતત સક્રિયતા ડ્રગ્સ માફિયાઓના મનોબળ તોડવામાં સફળ સાબિત થઈ રહી છે.
‘નશામુક્ત ગુજરાત’ માટે સરકાર કટિબદ્ધ
રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે રાજ્ય સરકાર મક્કમ છે. સીઆઈડી ક્રાઈમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જામીન પર છૂટેલા ગુનેગારો ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ન જોડાય તે માટે આ કાયદાકીય શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના ખૂણેખૂણેથી ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવા માટે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.