છત્તીસગઢના શક્તિ જિલ્લામાં આવેલા વેદાંતા પાવર પ્લાન્ટમાં થયેલા ભીષણ બોઇલર વિસ્ફોટ મામલે હવે તપાસમાં ગંભીર લાપરવાહીના આરોપો સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 21 શ્રમિકોના મોત નિપજ્યા છે, જ્યારે અનેક ઘાયલો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ પોલીસએ મોટી કાર્યવાહી કરતાં વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ, પ્લાન્ટ મેનેજર દેવેન્દ્ર પટેલ અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે FIR નોંધાવી છે. આ અકસ્માત 14 એપ્રિલ 2026ના રોજ બપોરે લગભગ 2:33 વાગ્યે થયો હતો. તે સમયે પ્લાન્ટમાં કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક બોઇલર-1માં જોરદાર વિસ્ફોટ થયો. સરકારી તપાસ રિપોર્ટ અનુસાર બોઇલર ફર્નેસમાં જરૂર કરતા વધારે ઈંધણ એકત્ર થઈ જવાથી દબાણ વધી ગયું હતું. આ અચાનક વધેલા દબાણને કારણે વિસ્ફોટ થયો, જેના કારણે પાઇપલાઇન ખસી ગઈ અને ભારે લોખંડનું માળખું ધરાશાયી થઈ ગયું હતું.
તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી બાબત સામે આવી છે કે દુર્ઘટના પહેલા જ પ્લાન્ટની સેફ્ટી સિસ્ટમ સતત ચેતવણી આપી રહી હતી. પ્રાઇમરી એર (PA) ફેનમાં ખામી સવારથી જ નોંધાઈ રહી હતી અને કંટ્રોલ રૂમની લોગબુકમાં સવારે 10:30 વાગ્યે આ સમસ્યા નોંધાઈ હતી. તેમ છતાં, પ્લાન્ટ બંધ કરવાની જગ્યાએ કામગીરી ચાલુ રાખવામાં આવી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. સૌથી ગંભીર મુદ્દો એ છે કે ટેકનિકલ ખામી હોવા છતાં ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બપોરે 1:03થી 2:09 દરમિયાન બોઇલરનો લોડ 350 મેગાવોટથી વધારીને 590 મેગાવોટ સુધી લઈ જવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે, માત્ર એક કલાકમાં આટલો મોટો વધારો કરવો જોખમી હતો અને એ જ કારણે દબાણ અસામાન્ય રીતે વધી ગયું, જેના પરિણામે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ.
આ મામલે પોલીસ અધિક્ષક પ્રફુલ્લ ઠાકુરના નિર્દેશ હેઠળ ડભરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1), 289 અને 3(5) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એડિશનલ એસપી પંકજ પટેલના નેતૃત્વમાં ખાસ તપાસ ટીમ (SIT) આ કેસની ઊંડી તપાસ કરી રહી છે. આ ઘટના માત્ર એક ઔદ્યોગિક અકસ્માત નહીં પરંતુ સુરક્ષા નિયમોની અવગણનાનો ગંભીર ઉદાહરણ બની છે. હવે તપાસમાં આગળ શું ખુલાસા થાય છે અને જવાબદાર લોકો સામે કઈ કાર્યવાહી થાય છે તે કાર્યવાહી પૂરી થયા બાદ જ ખબર પડશે.