National

PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?

રાજસ્થાનના બાલોતરા પાસે આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)ની અદ્યતન પચપદરા રિફાઈનરીમાં 20 એપ્રિલે લાગેલી ભીષણ આગ બાદ હવે આ ઘટનાને લઈને નવી શંકાઓ ઊભી થઈ રહી છે. શરૂઆતમાં આ દુર્ઘટનાને ટેકનિકલ ખામી કે લીકેજનું પરિણામ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે સુરક્ષા એજન્સીઓ સાયબર એટેકના એંગલથી પણ તપાસ શરૂ કરી ચૂકી છે. સૂત્રો અનુસાર, આગ લાગતી વખતે રિફાઈનરીના ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ્સમાં ગડબડ જોવા મળી હતી. એજન્સીઓને શંકા છે કે આ સિસ્ટમ્સને કોઈ બાહ્ય સ્ત્રોત દ્વારા હાઇજેક કરવામાં આવ્યા હોઈ શકે. હાલ નિષ્ણાતોની ટીમ રિફાઈનરીના ડિજિટલ લોગ્સ, સર્વર ડેટા અને નેટવર્ક ઍક્સેસની વિગતવાર તપાસ કરી રહી છે. ખાસ કરીને, કોઈ અજાણા IP એડ્રેસ દ્વારા સિસ્ટમમાં પ્રવેશ કરવાનો પ્રયાસ થયો હતો કે નહીં, તેની તપાસ ચાલી રહી છે.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. રિફાઈનરીના 1 કિલોમીટર વિસ્તારમાં આવેલી દુકાનો અને કોમર્શિયલ એકમોને હટાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા વિસ્તારમાં રહેતા લોકો, ખાસ કરીને ભાડૂતો અને મજૂરોનું વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ આગ PM નરેન્દ્ર મોદીના આયોજિત પ્રવાસના માત્ર 20 કલાક પહેલા લાગી હતી. 21 એપ્રિલે તેઓ આ રિફાઈનરીનું ઉદ્ઘાટન કરવા આવવાના હતા, પરંતુ આ ઘટનાના કારણે તેમનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. સભા માટે બનાવવામાં આવેલા મોટા ડોમને પણ હાલ સુરક્ષા એજન્સીઓએ ઘેરી લીધો છે, જેથી ત્યાંથી ફોરેન્સિક પુરાવા એકત્રિત કરી શકાય.જે યુનિટમાં આગ લાગી હતી તે ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) હતી, જેના નિર્માણની જવાબદારી ટાટા પ્રોજેક્ટ્સ પાસે છે.

આ ઘટના બાદ એજન્સીઓ કોન્ટ્રાક્ટર કંપનીઓ, સાઇટ એન્જિનિયરો અને મેનેજમેન્ટના અધિકારીઓની પૂછપરછ કરી રહી છે.લગભગ 79,459 કરોડના ખર્ચે બનેલી આ રિફાઈનરી દેશની સૌથી આધુનિક પ્રોજેક્ટ્સમાંની એક ગણાય છે. આવી હાઇટેક સુવિધામાં આગ લાગવી અને તેમાં સાયબર હસ્તક્ષેપની શંકા ઊભી થવી, રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. હવે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના માત્ર ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ સુનિયોજિત સાયબર હુમલો.

Most Popular

To Top