Vadodara

વડોદરા ગેસ લિમિટેડની કડક કાર્યવાહી: સિટી વિસ્તારમાં રિકવરી ઝુંબેશ વચ્ચે રૂ. ૨૬.૪૩ લાખના બાકીદારોના કનેક્શન બંધ

પોલીસ બંદોબસ્ત સાથે ૫૯ કર્મચારીઓની બે ટીમો મેદાનમાં, અગાઉ બંધ કરાયેલા ૨ કનેક્શન બિલ ભરાતા પુનઃ શરૂ કરાયા

વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા ગેસ બિલની લાંબા સમયથી બાકી નીકળતી રકમની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત બીજા દિવસે પણ કનેક્શન ચેકિંગ અને રિકવરીની કડક કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. કંપની દ્વારા અગાઉ વારંવાર સૂચના અને ફોન કરવા છતાં બિલ ચૂકવવામાં આનાકાની કરતા બાકીદારો સામે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરાતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
​ગેસ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત અજબડી મિલ રોડ, યાકુતપુરા, તાજ સોડા ફેક્ટરી, પટેલ ફળિયા, સોદાગર બિલ્ડિંગ, ચાપાનેર દરવાજા, કોયલી ફળિયા, જુનીગઢી, છીપવાડ, મહેતા પોળ, મુસા પોળ અને જગમલી પોળ સહિતના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ રિકવરી કામગીરી માટે કંપની દ્વારા બે અલગ અલગ ટીમો બનાવીને કુલ ઓગણસાઠ જેટલા કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને કામગીરી નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે સિટી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.
​તપાસ દરમિયાન ટીમે કુલ છપ્પન ગ્રાહકોના પરિસરની સ્થળ પર જઈને ચકાસણી કરી હતી. જે ગ્રાહકોએ નોટિસ છતાં રકમ જમા નહોતી કરાવી, તેવા ઓગણવીસ લાખથી વધુના બાકીદારો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ અઠ્ઠાવીસ લાખથી વધુની બાકી રકમ પૈકી રૂ. ચોવીસ લાખથી વધુના બાકી બિલો ધરાવતા બાવીસ ગ્રાહકોના ગેસ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. આ બંધ કરાયેલા બાવીસ કનેક્શનની કુલ બાકી રકમ રૂ. છવ્વીસ લાખ ત્રેતાલીસ હજાર અઢાર જેટલી થવા જાય છે.
​બીજી તરફ, કંપનીની કડક કાર્યવાહી જોઈને કેટલાક ગ્રાહકોએ તાત્કાલિક સ્થળ પર જ પોતાના બિલની ચુકવણી કરી દીધી હતી, જેનાથી એક જ દિવસમાં રૂ. ત્રણ લાખ છેતાલીસ હજાર સાતસો ત્રીસની રોકડ રિકવરી થવા પામી હતી. આ ઉપરાંત, અગાઉ બાકી લેણાંના કારણે બંધ કરવામાં આવેલા કનેક્શનો પૈકી બે ગ્રાહકોએ પોતાની પૂરેપૂરી રકમ ભરપાઈ કરી દેતા તેમના કનેક્શન પુનઃ ચાલુ કરી આપવામાં આવ્યા હતા. વડોદરા ગેસ લિમિટેડના સત્તાવાળાઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં બાકીદારો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Most Popular

To Top