ગુજરાતની મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓ ફરી ચિંતાજનક રીતે સામે આવી રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી સરકારી મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ થયેલી તપાસમાં રેગિંગની ગંભીર બાબત સામે આવી છે. તપાસમાં ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા હર્ષને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની પુષ્ટિ થઈ છે. આ મામલે ચારેય ડૉક્ટરોને છ મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા સહિત ચાર ફેકલ્ટીને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.
મૂળ અરવલ્લીના મોડાસાના રહેવાસી હર્ષ પંડ્યા સુરતની સરકારી મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે અભ્યાસ કરતા હતા. શનિવારે રાત્રે તેમણે બોયઝ પીજી હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ તંત્ર અને પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. પરિવારજનોને પણ આ ઘટનામાં રેગિંગની શંકા હતી અને તેમણે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના બાદ આ મામલે વિશેષ તપાસ કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટરો, પરિવારજનો તેમજ સંબંધિત વિભાગના લોકોનાં નિવેદનો લીધા હતા. તપાસ દરમિયાન સિનિયર ડૉક્ટરો દ્વારા હર્ષ સાથે કરવામાં આવતી વર્તણૂક અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુત દ્વારા હર્ષને અપશબ્દો કહેવામાં આવતા હતા. તેને કલાકો સુધી રૂમમાં ગોંધી રાખવામાં આવતો હતો અને ‘અમે તારા બોસ છીએ’ કહીને માનસિક દબાણ કરવામાં આવતું હતું. એન્ટી રેગિંગ તપાસમાં મેન્ટલ હેરેસમેન્ટ, લેક ઓફ ડિસેન્સી અને વર્બલ એબ્યુઝ જેવા મુદ્દાઓ હેઠળ રેગિંગ સાબિત થયું છે. તપાસ રિપોર્ટના આધારે ચારેય સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમને છ મહિના માટે હોસ્પિટલ અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાની સાથે તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિથી પણ દૂર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સંબંધિત ફેકલ્ટીની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને માઇક્રોબાયોલોજી વિભાગના વડા સહિત ચાર ફેકલ્ટીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
સુરતની ઘટના માત્ર એક હોસ્પિટલ કે એક મેડિકલ કોલેજ પૂરતી મર્યાદિત નથી. ગુજરાતની મેડિકલ કોલેજોમાં રેગિંગને લઈને લાંબા સમયથી સવાલો ઉઠતા રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે સરકાર દ્વારા કડક નિયમો બનાવ્યા હોવા છતાં સરકારી મેડિકલ કોલેજોમાં જ આવી ઘટનાઓ કેમ અટકતી નથી. ગુજરાત સરકારે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ રોકવા માટે 19 માર્ચ 2024ના રોજ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નિયમો હેઠળ કોલેજો અને યુનિવર્સિટીઓને રેગિંગ રોકવા માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા અને તેની ગંભીરતાથી અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી. સંસ્થાઓમાં એન્ટી રેગિંગ કમિટી, એન્ટી રેગિંગ સ્કવોડ અને મોનિટરિંગ સેલ બનાવવા જેવી વ્યવસ્થાઓ નક્કી કરવામાં આવી હતી.
આ ઉપરાંત રેગિંગ રોકવા માટે કોલેજ અને યુનિવર્સિટી સ્તરે જવાબદારી પણ નક્કી કરવામાં આવી હતી. 2009માં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન બાદ યુજીસી અને નેશનલ મેડિકલ કમિશન દ્વારા પણ સમયાંતરે રેગિંગ સામે પગલાં લેવા માટે સંસ્થાઓને સૂચનાઓ આપવામાં આવે છે. તેમ છતાં રેગિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સરકારી મેડિકલ કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટી અને સ્કવોડ હોવા છતાં જો વિદ્યાર્થીઓને સિનિયર દ્વારા માનસિક ત્રાસ સહન કરવો પડે તો આ વ્યવસ્થાની અસરકારકતા સામે પ્રશ્ન ઊભો થાય છે. ઘણી વખત વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા ડરે છે. સિનિયર દ્વારા ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરવાની કે અભ્યાસમાં નુકસાન પહોંચાડવાની ભીતિ રહેતી હોવાના કારણે પણ રેગિંગની ઘટનાઓ સમયસર બહાર આવતી નથી.
તાજેતરના સમયગાળામાં ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોમાં રેગિંગની અનેક ગંભીર ઘટનાઓ સામે આવી છે. પાટણની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં 2024માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીના રેગિંગનો મામલો સામે આવ્યો હતો. આ ઉપરાંત છેલ્લા બે મહિનામાં બી.જે. મેડિકલ કોલેજ, ભાવનગરની મેડિકલ કોલેજ અને હવે સુરતની સરકારી મેડિકલ કોલેજમાં પણ રેગિંગની ઘટનાઓ સામે આવી છે. ખાસ વાત એ છે કે હવે રેગિંગની ઘણી ફરિયાદો પીજી વિભાગમાં પણ સામે આવી રહી છે. એટલે કે સિનિયર પીજી રેસિડેન્ટ દ્વારા જુનિયર રેસિડેન્ટને માનસિક રીતે હેરાન કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. મેડિકલ ક્ષેત્રમાં સિનિયર-જુનિયર વચ્ચેનો અનુભવનો તફાવત સ્વાભાવિક છે, પરંતુ આ સત્તાનો ઉપયોગ વિદ્યાર્થીઓને અપમાનિત કરવા, ગાળો આપવા અથવા કલાકો સુધી રૂમમાં બંધ રાખવા માટે થાય ત્યારે તે રેગિંગની ગંભીર શ્રેણીમાં આવે છે.
ગુજરાતમાં રેગિંગ અંગેના આંકડા પણ ચિંતાજનક છે. વર્ષ 2012થી 2022 દરમિયાન રાજ્યમાં રેગિંગની 105 ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે 2022થી 2026 દરમિયાન 86 ફરિયાદો નોંધાઈ છે. રાજ્યમાં નોંધાયેલી કુલ રેગિંગ ફરિયાદોમાંથી 26 ટકાથી વધુ ફરિયાદો માત્ર મેડિકલ કોલેજોમાંથી આવી હોવાનું જણાવાયું છે. આ આંકડો દર્શાવે છે કે મેડિકલ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ સામે વધુ અસરકારક વ્યવસ્થાની જરૂર છે. દેશના આંકડા પણ ગંભીર સ્થિતિ દર્શાવે છે. ‘સ્ટેટ ઓફ રેગિંગ ઇન ઇન્ડિયા 2022-2024’ રિપોર્ટ મુજબ 2022થી 2024 દરમિયાન દેશમાં રેગિંગ સાથે જોડાયેલા કિસ્સાઓમાં 51 વિદ્યાર્થીઓનાં મોત થયા હતા. તેમાંથી 23 વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજ સાથે સંકળાયેલા હતા. એટલે કે આ સમયગાળામાં રેગિંગ સંબંધિત કુલ મૃત્યુમાંથી લગભગ 45 ટકા કેસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હતા.
આ જ રિપોર્ટ મુજબ ત્રણ વર્ષ દરમિયાન દેશની 1,946 કોલેજોમાં રેગિંગની કુલ 3,156 ફરિયાદો નોંધાઈ હતી. આ આંકડા માત્ર ફરિયાદોની સંખ્યા બતાવતા નથી, પરંતુ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય અંગે પણ ગંભીર સવાલ ઊભા કરે છે. સુરતની ઘટનામાં તપાસ ઝડપથી પૂર્ણ કરીને ચાર સિનિયર ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ પરિવારજનોનું માનવું છે કે માત્ર સસ્પેન્શન પૂરતું નથી. રેગિંગ સાબિત થાય તેવા કિસ્સામાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જવાબદાર લોકો સામે એવી કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ સિનિયર વિદ્યાર્થી જુનિયર સાથે આવું કરવાની હિંમત ન કરે. હર્ષ પંડ્યાના આપઘાતે ફરી એક વખત મેડિકલ કોલેજોમાં રેગિંગ અને માનસિક ત્રાસનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. સરકાર પાસે નિયમો છે, કોલેજોમાં કમિટી અને સ્કવોડ પણ છે, પરંતુ જો તેમ છતાં વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી માનસિક ત્રાસ સહન કરવો પડે તો નિયમોના અમલ પર ગંભીર સવાલ ઊભા થાય છે.
હવે સૌથી મહત્વની જરૂરિયાત માત્ર નવી કમિટી બનાવવાની નહીં, પરંતુ હાલની વ્યવસ્થાને અસરકારક રીતે અમલમાં મૂકવાની છે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના ભય વિના ફરિયાદ કરી શકે તેવી વ્યવસ્થા, ફરિયાદ કરનારની ઓળખ અને સુરક્ષા જાળવવાની ખાતરી, સિનિયર વિદ્યાર્થીઓની સતત દેખરેખ અને ફરિયાદ બાદ ઝડપી કાર્યવાહી થાય તે જરૂરી છે. મેડિકલ કોલેજોમાં શિક્ષણનું વાતાવરણ એવું હોવું જોઈએ જ્યાં સિનિયર પોતાના અનુભવથી જુનિયરને માર્ગદર્શન આપે, નહીં કે સત્તાનો દુરુપયોગ કરીને તેને અપમાનિત કે માનસિક રીતે પરેશાન કરે. હર્ષ પંડ્યાની ઘટના પછી હવે સવાલ માત્ર એ નથી કે ચાર ડૉક્ટરો સામે કાર્યવાહી થઈ કે નહીં. મોટો સવાલ એ છે કે ગુજરાતની મેડિકલ કોલેજોમાં રેગિંગ રોકવા માટે બનાવેલા નિયમો ખરેખર જમીન પર કેટલા અસરકારક છે અને ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે સરકાર અને મેડિકલ કોલેજ તંત્ર શું કાયમી પગલાં લેશે.