પ્રતાપનગર બ્રિજ પર દર્શને જતા પરિવારને નડ્યો અકસ્માત, એક મહિલાની હાલત નાજુક
પરિવારે બેફામ ચાલક સામે કાર્યવાહીની માંગ કરી



( પ્રતિનિધિ )વડોદરા,તા.10
વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી બેફામ એસટી બસે રિક્ષાને જોરદાર અડફેટે લેતા રિક્ષામાં સવાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા.
ગંગાનગર-દંતેશ્વરના રહેવાસી અને રિક્ષાચાલક હિતેશ વાઘેલા તેમના પરિવાર સાથે માંડવી ખાતે આવેલા મેલડી માતાના દર્શને જઈ રહ્યા હતા. પ્રતાપનગર બ્રિજની વચ્ચે સામેથી આવતી એસટી બસે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાચાલક હિતેશ વાઘેલા સહિત પરિવારના કુલ 5 સભ્યોને ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક મહિલાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી છે. અન્ય ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે. અકસ્માત બાદ પરિવારજનો અને સ્થાનિકોએ બેફામ રીતે બસ ચલાવતા એસટી બસચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ પ્રતાપનગર બ્રિજ જેવા વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.