SURAT

ડૉ. હર્ષને અમે બોસ, તમે નોકર કહી પજવતા અને કલાકો સુધી રૂમમાં ગોંધી રાખતા, રેગિંગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા, 4 ડૉક્ટર સસ્પેન્ડ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને હોસ્પિટલ તંત્રની તપાસ દરમિયાન હર્ષનું સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા રેગિંગ અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. એન્ટી-રેગિંગ સ્ક્વોડની તપાસમાં માનસિક ત્રાસ, અપમાનજનક વર્તન અને ગાળો આપવાના આક્ષેપો સાચા હોવાનું બહાર આવતા ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચારેયને છ મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે તપાસમાં સામે આવ્યું કે ચાર સિનિયર ડૉક્ટરોમાંથી ત્રણ મહિલા ડૉક્ટરો છે. મૃતક હર્ષને કથિત રીતે વારંવાર અપમાનિત કરવામાં આવતો હતો. તેને ‘અમે તમારા બોસ છીએ અને તમે અમારા નોકર છો’ જેવા શબ્દો કહીને માનસિક રીતે પરેશાન કરવામાં આવતો હોવાના આક્ષેપો થયા છે. તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે હર્ષને કલાકો સુધી રૂમમાં રોકી રાખવામાં આવતો હતો અને તેની સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ કમિટી બનાવવામાં આવી હતી. કમિટીની અધ્યક્ષતા સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે કરી હતી. કમિટી સમક્ષ પ્રથમ વર્ષના નવ રેસિડેન્ટ ડૉક્ટરો અને તેમના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન અને સફાઈ કર્મચારીઓના પણ નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

આ તપાસ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલી હતી. રાત્રે સાડા આઠ વાગ્યાથી શરૂ થયેલી બેઠક સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી. ત્યારબાદ એન્ટી-રેગિંગ સ્ક્વોડે પોતાનો રિપોર્ટ એન્ટી-રેગિંગ કમિટીને સોંપ્યો હતો. કમિટીના અહેવાલના આધારે ચાર રેસિડેન્ટ ડૉક્ટરો સામે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ડૉક્ટરોમાં ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુતનો સમાવેશ થાય છે. ચારેયને છ મહિના માટે સસ્પેન્ડ કરીને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકશે નહીં.

આ સાથે માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યોને પણ શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિતને પણ નોટિસ આપવામાં આવી છે. એન્ટી-રેગિંગ કમિટીના રિપોર્ટને કોલેજ કાઉન્સિલે મંજૂરી આપી છે અને સમગ્ર મામલાનો સત્તાવાર અહેવાલ રાજ્ય સરકારને પણ મોકલવામાં આવ્યો છે.

હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટે નવી સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં આપઘાત કર્યો હતો. તે માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષનો રેસિડેન્ટ ડૉક્ટર હતો અને છેલ્લા છ મહિનાથી પીજીનો અભ્યાસ કરતો હતો. ઘટના બાદ તેના પરિવારજનો મોડાસાથી સુરત પહોંચ્યા હતા. પરિવારને શરૂઆતથી જ હર્ષ સાથે રેગિંગ અને માનસિક ત્રાસ થતો હોવાની શંકા હતી. પરિવારજનોએ આ મામલે તપાસની માંગ કરી હતી. હર્ષના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર પંડ્યાના જણાવ્યા અનુસાર, હર્ષ સ્વભાવથી ખૂબ જ શાંત, જવાબદાર અને પ્રામાણિક હતો. થોડા મહિના પહેલાં જ તેની સગાઈ થઈ હતી. તેણે ફિલિપાઈન્સમાંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ સારી નોકરી પણ કરી હતી. હર્ષના પિતા ધનસુરા સિવિલ હોસ્પિટલમાંથી ક્લાસ-1 M.S. જનરલ સર્જન તરીકે નિવૃત્ત થયા છે.

પરિવારજનોનું કહેવું છે કે હર્ષના સાથી વિદ્યાર્થીઓ અને અન્ય રેસિડેન્ટ ડૉક્ટરોના નિવેદનોમાં સિનિયરો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને માનસિક દબાણની વિગતો સામે આવી હતી. પરિવારને શંકા હતી કે સતત માનસિક ત્રાસ અને સિનિયરોના દબાણને કારણે હર્ષે આટલું મોટું પગલું ભર્યું હોઈ શકે છે. હવે એન્ટી-રેગિંગ તપાસમાં પણ રેગિંગ સાબિત થતાં પરિવારજનોની શંકાને વધુ વજન મળ્યું છે. મૃતકના સંબંધી શૈલેષ પાઠકે જણાવ્યું હતું કે હર્ષના મોતના મામલે માત્ર સસ્પેન્શન પૂરતું નથી. તેમનું કહેવું છે કે જે લોકો સામે રેગિંગ સાબિત થયું છે તેમની સામે FIR નોંધાવી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે છ મહિનાના સસ્પેન્શન બાદ જો આરોપી ફરી એ જ વાતાવરણમાં પરત ફરશે તો આવી ઘટના ફરી બનવાની શક્યતા રહેશે.

પરિવારજનો દ્વારા હોસ્પિટલ તંત્રની કામગીરી અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમના કહેવા પ્રમાણે, અગાઉ પણ રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા સિનિયરોના માનસિક ત્રાસ અને હેરાનગતિ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. સિનિયરો દ્વારા વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી ટોર્ચર કરવામાં આવતા હોવાના અને અપમાનજનક શબ્દો બોલવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. પરિવારનો આરોપ છે કે આ ફરિયાદો અંગે યોગ્ય સમયે ગંભીર પગલાં લેવાયા હોત તો કદાચ પરિસ્થિતિ અહીં સુધી ન પહોંચી હોત.

હર્ષના મોત બાદ પરિવારજનોએ પોસ્ટમોર્ટમ અંગે પણ વધુ તપાસની માંગ કરી હતી. શરૂઆતમાં આઘાતની સ્થિતિમાં પરિવારજનોએ પોસ્ટમોર્ટમ માટે મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં શંકા ઊભી થતાં તેમણે ડીન અને સુપરિન્ટેન્ડન્ટ સમક્ષ રિ-પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. હાલ પોસ્ટમોર્ટમ અને FSL તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પરિવારના સંબંધી શૈલેષ પાઠકે હર્ષના મોત અંગે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે હર્ષ મજબૂત મનોબળ ધરાવતો હતો અને આ પ્રકારનું પગલું ભરે તેવું તેમને લાગતું નહોતું. જોકે, અંતિમ સત્ય તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

આ સમગ્ર ઘટનાને લઈને રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ કડક વલણ અપનાવ્યું છે. તેમણે રેગિંગ કરતા તબીબોને ચેતવણી આપી છે કે આવી હરકતો તાત્કાલિક બંધ કરવી જોઈએ. તેમણે કહ્યું કે રેગિંગ જેવી ગંભીર બાબત તબીબોના રેકોર્ડમાં નોંધાઈ શકે છે અને તેની અસર તેમના ભવિષ્ય પર પણ પડી શકે છે. હર્ષના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. પરિવાર માટે આ ઘટના માત્ર એક યુવાન ડૉક્ટરનું મોત નથી, પરંતુ અનેક સવાલો ઊભા કરતી ઘટના બની છે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જેવા સ્થળે વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ મળવું જરૂરી છે. સિનિયર અને જુનિયર વચ્ચે શૈક્ષણિક માર્ગદર્શન અને સહકાર હોવો જોઈએ, પરંતુ જો તેનો બદલો માનસિક ત્રાસ, અપમાન કે દબાણ લે તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કારકિર્દી પર પડી શકે છે.

હવે ચાર સિનિયર ડૉક્ટરો સામેની આગળની કાયદેસરની કાર્યવાહી, FIR, ફોરેન્સિક તપાસ અને હર્ષના મોત અંગેના અન્ય પાસાંની તપાસ મહત્વપૂર્ણ બની રહેશે. પરિવારજનોની માંગ છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય અને જો કોઈ વ્યક્તિની જવાબદારી સાબિત થાય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય રેસિડેન્ટ ડૉક્ટરને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.

Most Popular

To Top