Gujarat

જેલમાં બેઠા બેઠા માથાભારે સતીશ મરાઠીની હત્યાનું કાવતરું ઘડનાર રાહુલ મંડલની ધરપકડ

સુરતમાં ગુનાખોરીની દુનિયામાં વર્ચસ્વની લડાઈ વચ્ચે થયેલી સતીશ મરાઠીની હત્યા મામલે પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. લાજપોર જેલમાં બેઠા બેઠા સતીશ મરાઠીની હત્યાનું કાવતરું ઘડ્યાનો આરોપ ધરાવતા બુટલેગર રાહુલ મંડલની પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. અગાઉ પકડાયેલા આરોપીઓની કબૂલાત અને પોલીસને મળેલા ઇલેક્ટ્રોનિક પુરાવાના આધારે રાહુલ મંડલ સુધી તપાસ પહોંચી હતી.રાહુલ મંડલ લાજપોર સેન્ટ્રલ જેલમાં ગુજસીટોક હેઠળ બંધ હતો. કોર્ટે ટ્રાન્સફર વોરંટની અરજી મંજૂર કર્યા બાદ પોલીસે તેની જેલમાંથી ધરપકડ કરી હવે સમગ્ર હત્યા કાવતરું કેવી રીતે ઘડાયું, સતીશની રેકી કોણે કરી અને હત્યાના દિવસે તેનું લોકેશન કોણે આપ્યું હતું તે અંગે તેની પૂછપરછ શરૂ કરી છે.

માર્ચમાં પણ સતીશ પર થયો હતો હુમલો
પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી પ્રમાણે સતીશ મરાઠી અગાઉથી જ કેટલાક ગુનેગારોના નિશાના પર હતો. ગત માર્ચ મહિનામાં પણ સતીશ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગોડાદરા બ્રિજ નીચે સતીશને ઘેરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કેતન ઉર્ફે સન્ની, રાહુલ બટકો, અજીત ગોસ્વામી અને આકાશ બટકા સહિતના લોકો સામેલ હોવાની માહિતી સામે આવી છે.હુમલાખોરોએ સતીશ પર હુમલો કરતી વખતે મરચાની ભૂકીનો પણ ઉપયોગ કર્યો હતો. જોકે, સતીશ આ હુમલામાંથી બચી ગયો હતો.આ હુમલો નિષ્ફળ જતા હુમલાખોરોમાં સતીશનો ડર વધી ગયો હતો. તેમને એવી ભીતિ હતી કે સતીશ જો બચી ગયો છે તો ભવિષ્યમાં તે તેમની સામે કાર્યવાહી કરી શકે છે.પોલીસના જણાવ્યા પ્રમાણે આ જ ડર અને ગુનાખોરીની અદાવત આગળ જતાં સતીશની હત્યાના કાવતરાનું કારણ બન્યા હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

જેલમાંથી રાહુલ મંડલે ગોઠવ્યો ખેલ?
હાલની તપાસમાં સૌથી મોટો સવાલ એ છે કે જેલમાં બંધ રાહુલ મંડલ સતીશની હત્યાનું કાવતરું કેવી રીતે ગોઠવી રહ્યો હતો?પોલીસના જણાવ્યા મુજબ અગાઉ ઝડપાયેલા આરોપી કેતન ઉર્ફે સન્ની અને રાહુલ બટકાની કબૂલાત તેમજ તેમની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક પુરાવાના આધારે રાહુલ મંડલની સંડોવણી સામે આવી હતી.આ આધારે પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવીને રાહુલ મંડલને તપાસમાં સામેલ કર્યો છે.હવે પોલીસ એ જાણવા માગે છે કે જેલમાં બેઠેલા રાહુલે બહાર રહેલા આરોપીઓ સાથે કેવી રીતે સંપર્ક કર્યો, અને સતીશની દૈનિક ગતિવિધિઓની માહિતી તેના સુધી કોણ પહોંચાડતું હતું.

ગોવિંદનું કનેક્શન પણ તપાસના કેન્દ્રમાં
આ હત્યા કેસમાં હવે ગોવિંદ નામનું કનેક્શન પણ પોલીસ તપાસના કેન્દ્રમાં આવ્યું છે.પોલીસને સતીશની ગતિવિધિ અંગે રાહુલને માહિતી આપનાર વ્યક્તિની તપાસ દરમિયાન ગોવિંદ સાથે જોડાયેલી કડી મળી હોવાનું જાણવા મળે છે.ગોવિંદ રાહુલ મંડલ સાથે કામ કરતો હતો. ત્યારબાદ સતીશ સાથે પણ તેની અદાવત થઈ હતી. માહિતી પ્રમાણે સતીશે ગોવિંદને માર માર્યો હતો અને તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી.આ ઘટનાને કારણે ગોવિંદ અને સતીશ વચ્ચે દુશ્મની વધી હોવાનું પોલીસ માની રહી છે.હવે તપાસનો મહત્વનો સવાલ એ છે કે ગોવિંદે સતીશ અંગે રાહુલ મંડલને કેટલી અને કઈ પ્રકારની માહિતી આપી હતી?પોલીસ આ બાબતે કેતન ઉર્ફે સન્ની અને રાહુલ બટકાની પૂછપરછ દરમિયાન મળેલી વિગતો સાથે ગોવિંદના કનેક્શનની પણ તપાસ કરી રહી છે.

સતીશની રેકી કોણે કરી?
સતીશ મરાઠીની હત્યામાં માત્ર હુમલાખોરો કોણ હતા તે જાણવું પૂરતું નથી. પોલીસ હવે તેની હત્યા પહેલાં કરવામાં આવેલી રેકી અંગે પણ તપાસ કરી રહી છે.
સતીશ ક્યાં જતો હતો?
ક્યારે બહાર નીકળતો હતો?
તેની હિલચાલ અંગે માહિતી કોણ આપતું હતું?
હત્યાના દિવસે તેનું ચોક્કસ લોકેશન હુમલાખોરોને કોણે પહોંચાડ્યું?
આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસ રાહુલ મંડલની પૂછપરછ કરશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલની ધરપકડ બાદ હવે હત્યાના કાવતરાની સંપૂર્ણ ચેઇન બહાર આવવાની શક્યતા.

દેલાડવા નજીકથી 7 હથિયારો મળ્યા
હત્યા બાદ ભાગતી વખતે હુમલાખોરોએ હથિયારો સંતાડી દીધા હતા. પોલીસને તપાસ દરમિયાન દેલાડવા નજીક પાદરમાં લોખંડના મોટા પાઇપમાં સંતાડવામાં આવેલા 7 હથિયારો મળી આવ્યા છે.આ હથિયારો હત્યામાં ઉપયોગમાં લેવાયા હતા કે અન્ય ગુનામાં ઉપયોગ માટે રાખવામાં આવ્યા હતા, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.હથિયારોની સાથે પોલીસે હત્યાની ઘટનામાં મહત્વના પુરાવા તરીકે ત્રણ મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે.આ ઉપરાંત હુમલાના સમયે આરોપીઓએ પહેરેલા કપડાં પણ પોલીસને મળ્યા છે. હવે મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક પુરાવા, હથિયારો અને કપડાંને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સતીશ અગાઉ પણ અનેક હુમલાનો ભોગ બન્યો હતો
સતીશ મરાઠીનું નામ સુરતના ગુનાખોરીના વર્તુળમાં અગાઉથી ચર્ચામાં રહ્યું હતું.અખબારી અહેવાલ મુજબ સતીશ પર અગાઉ પણ હુમલાના પ્રયાસો થયા હતા. માર્ચ મહિનાના હુમલા દરમિયાન હુમલાખોરોએ તેને ઘેરીને મારવાનો પ્રયાસ કર્યો હતો હુમલો નિષ્ફળ ગયો ત્યારથી સતીશની હત્યા માટે વધુ ગંભીર કાવતરું રચાયું હોવાની પોલીસને શંકા છે.તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે સતીશને રસ્તામાંથી હટાવવા માટે અગાઉ વિવિધ લોકો સાથે બેઠકો કરવામાં આવી હતી. જોકે, અગાઉના પ્રયાસો સફળ ન થતાં આખરે તેની હત્યાનું કાવતરું ઘડાયું હોવાનું પોલીસ માની રહી છે.

કાવતરાની કડી હવે જોડાશે
રાહુલ મંડલની ધરપકડ પછી પોલીસ સામે હવે કાવતરાની આખી ચેઇન જોડવાનો પડકાર છે.રાહુલ મંડલ → માહિતી આપનાર વ્યક્તિ →ગોવિંદ કનેક્શન → રેકી → હુમલાખોરો → હથિયારો → હત્યાનું લોકેશન આ તમામ કડીઓને પોલીસ એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.ખાસ કરીને જેલમાં રહેલા રાહુલ મંડલ સુધી સતીશની માહિતી કેવી રીતે પહોંચી અને તેણે બહાર રહેલા આરોપીઓને કઈ રીતે સૂચના આપી તે બાબત તપાસનું સૌથી મહત્વનું કેન્દ્ર બની છે.

હવે રાહુલની પૂછપરછમાં ખુલશે મોટા રહસ્યો
પોલીસે કેતન ઉર્ફે સન્ની અને રાહુલ બટકાની કબૂલાત તથા ઇલેક્ટ્રોનિક પુરાવાના આધારે રાહુલ મંડલ સામે કાર્યવાહી કરી છે. કોર્ટની મંજૂરી બાદ લાજપોર સેન્ટ્રલ જેલમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.હવે પોલીસ એ જાણવા માગે છે કે સતીશની હત્યાનું અંતિમ કાવતરું કોણે ઘડ્યું, રાહુલ મંડલની તેમાં ચોક્કસ ભૂમિકા શું હતી, ગોવિંદે સતીશ અંગે કેટલી માહિતી પહોંચાડી હતી, હત્યા પહેલાં સતીશની વોચ કોણે રાખી હતી અને હત્યાના દિવસે તેનું લોકેશન હુમલાખોરોને કોણે આપ્યું હતું.રાહુલ મંડલની પૂછપરછ બાદ આ તમામ સવાલોના જવાબ મળવાની શક્યતા છે. સાથે જ દેલાડવાથી મળેલા 7 હથિયારો, 3 મોબાઇલ ફોન અને હુમલાખોરોના કપડાં આ કેસમાં મહત્વના પુરાવા સાબિત થઈ શકે છે.સુરત પોલીસ હવે હત્યાની પાછળના સમગ્ર કાવતરાની કડી જોડવામાં લાગી છે અને રાહુલ મંડલની ધરપકડથી કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

Most Popular

To Top